ઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લામાં એક દલિત સગીર છોકરી પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મોડી રાત્રે એક યુવકે ઘરમાં ઘૂસીને છોકરી પર બળાત્કાર કર્યો, પોલીસે આરોપી વિરૂદ્ધ કેસ નોંધ્યો છે અને પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે, પોલીસ આરોપીની શોધ કરી રહી છે
(એજન્સી) બદાયૂં, તા.૧૧
પોલીસે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લાના કાદર ચોક વિસ્તારમાં એક ગામમાં ઘરની અંદર દલિત સગીર છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં એક યુવક વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.. અધિક પોલીસ અધિક્ષક (શહેર વિસ્તાર) અમિત કિશોર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે છોકરીના પિતા મોડી રાત્રે કાદર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ખેતરમાં ચોકી કરવા ગયા હતા ત્યારે પરોઢિયે લવલેશ નામનો યુવક તેના ઘરમાં ઘૂસી ગયો અને છોકરીને એકલી જોઈને તેના પર બળાત્કાર કર્યો. શ્રીવાસ્તવના જણાવ્યાં અનુસાર, આ સમય દરમિયાન જ્યારે છોકરીના પિતા ઘરે પાછા ફર્યા, ત્યારે લવલેશ ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ પછી, પીડિતાના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને આ બાબતની ફરિયાદ કરી. તેમણે કહ્યું કે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા, પોક્સો એક્ટ અને દલિત એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીની શોધ શરૂ કરી છે. શ્રીવાસ્તવે જણાવ્યું કે છોકરીને તબીબી તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.