પાલનપુર, તા.ર૧
બનાસકાંઠાના નાના અને મધ્યમ અખબારોના માલિકોએ સરકારના જીએસટીવાળા બિલોના પરિપત્રને પરત ખેંચવા માહિતી કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું.
તાજેતરમાં માહિતી ખાતા દ્વારા ગત વર્ષના પ્રિન્ટિંગ અને કાગળના જીએસટીવાળા બિલો રજૂ કરવા પરિપત્ર થયેલ છે. તેના અનુસંધાને રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી પત્રકારોએ પોતાનો વિરોધ દર્શાવી આ પરિપત્રને પરત લેવા માટે આવેદનપત્ર આપવાની શરૂઆત કરી છે. ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લામાં પણ આ પરિપત્રને સરકાર દ્વારા પરત લેવા માટેના હેતુથી ‘ગુજરાત સરકાર માન્ય પત્રકાર બનાસકાંઠા’ દ્વારા આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ જે અંતર્ગત પાલનપુર ગુરૂનાનક ચોક વિશ્રામગૃહ ખાતે એકત્ર થઈ આ વિષયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં પાલનપુર માહિતી કચેરી ખાતે જઈ નાયબ માહિતી નિયામક ડી.પી.રાજપૂતને આવેદનપત્ર પાઠવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો તેમજ સરકાર માન્ય જાહેર- ખબર મેળવતા લઘુ અને મધ્યમ અખબારના તંત્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ અંગે સરકાર માન્ય પત્રકાર યુવા અગ્રણી રશ્મિકાંત મંડોરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાંથી પ્રસિદ્ધ થતાં લઘુ અને મધ્યમ અખબારો વર્તમાન કોરોનાની મારથી મરવાના વાંકે જીવી રહ્યા છે. લોકડાઉનના કારણે દસ-દસ મહિનાથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નાના અને મધ્યમ અખબારો પ્રજા અને શાસન વચ્ચે સેતુરૂપ બની હંમેશા સરકારની સાથે રહી સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવા અખબારી વ્યવસાયથી જોડાયેલા પત્રકારો પાસે માહિતી ખાતા દ્વારા જે માગણી કરવામાં આવી છે, તે પરિપત્રને સરકાર દ્વારા પરત લેવામાં તેવી માંગ કરી છે.