અમદાવાદ, તા.૩૧
રાજ્યમાં હાલ જોરદાર ઠંડીનો માહોલ જામ્યો છે. વર્ષ ૨૦૨૦ના છેલ્લા દિવસે કાતિલ ઠંડી સાથે ૨૦૨૧નું આગમન પણ કાતિલ ઠંડીથી જ થશે જ્યારે નવા વર્ષના આગમન ટાણે જ રાજ્યમાં કેટલાક સ્થળોએ માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સતત પાંચમાં દિવસે રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું હતું. રાજ્યમાં જોરદાર બર્ફીલા પવનોને કારણે લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા હતા. સૌથી ઓછું લઘુતમ તાપમાન ગિરનાર પર્વત પર ૩.૨ ડિગ્રી જ્યારે નલિયામાં ૫ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં રવિવારના રોજથી સતત કાતિલ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. ઠંડીને કારણે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે. કાતિલ ઠંડીથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો હાથ ધર્યા છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેને પગલે રોડ-રસ્તાઓ સૂમસામ ભાસે છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડીમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. ઠંડીએ સમગ્ર પ્રકૃતિને બાનમાં લઈ લીધી છે. ફૂટપાથ પર રહેનારા અને ઘર વિહોણા લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. જ્યારે લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયામાં ૫.૦ ડિગ્રી, કેશોદમાં ૭.૬, ડીસામાં ૮.૩, રાજકોટમાં ૮.૮, કંડલા એરપોર્ટમાં ૯.૪, જ્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ભૂજમાં લઘુતમ તાપમાન ૧૦.૦ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૧૦.૩, અમરેલીમાં ૧૦.૮, વલસાડમાં ૧૧ અને અમદાવાદમાં ૧૨.૪ ડિગ્રી નોંધાયું હતું. આમ રાજ્યમાં મોટાભાગના સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦થી ૧૨ ડિગ્રીની નજીક રહેવા પામ્યું હતું. જ્યારે આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળશે તો બીજી તરફ કેટલાક સ્થળોએ ૨ અને ૩ જાન્યુઆરીના રોજ માવઠું થવાની શક્યતા છે.