જામનગર, તા.૧પ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું નામ વિશ્વના નક્શામાં ગૌરવભેર અંકિત થયેલું છે. જામ રણજી, દુલીપસિંહજી, સલીમ દુરાની, વિનુ માંકડથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ખેલાડીઓએ જામનગરનું નામ રોશન કર્યું છે.
હવે જામનગરની મહિલા ક્રિકેટરોએ પણ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને જામનગરને વધુ ગૌરવ અપાવ્યું છે.
બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટ રમાનાર છે. આ ટુર્નામેન્ટમાં ભારતની પાંચ મહિલા ક્રિકેટરોની પસંદગી બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે જેમાં જામનગરની રિદ્ધિ રૂપારેલ તથા નેહા ચાવડાની પસંદગી થઈ છે.
જામનગરના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ખૂબ જ આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, રિદ્ધિ પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરે છે. સારી વિકેટ કિપર તથા બેટધર છે. જ્યારે નેહા ચાવડા લેફ્ટ આર્મી લેગ સ્પીનર બોલર છે. તેણીએ અગાઉ ગુજરાતમાં ઉત્તમ બોલીંગ પ્રદર્શન કર્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની જેમ બાંગ્લાદેશમાં મહિલાઓ માટેની આ લીગ ટુર્નામેન્ટ પસંદગી પામીને રિદ્ધિ તથા નેહાએ જામનગરના મહિલા ક્રિકેટરો પણ ઉત્તમ કોટીના હોવાનું દૃષ્ટાંત પૂરૂં પાડ્યું છે.