International

બાઈડેન પ્રશાસને એફ-૩૫ સોદાને રદ્દ કરતાUAEએ પ્રતિભાવ આપ્યો

 

(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૯
અમેરિકા ખાતેના યુએઈના રાજદૂત યોસેફ અલ- ઓતૈબાએ જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટે યુએઈને હથિયારોના વેચાણને અટકાવ્યું છે. જોકે અમને એ પ્રકારની અપેક્ષા હતી કે નવી સરકાર આ પગલાઓ લેશે. અમેરિકા ખાતેના યુએઈના દૂતાવાસમાં આ નિવેદન રાજદૂતે આપ્યું હતું. જેમાં અલ- ઓતૈબાએ જણાવ્યું હતું કે યુએઈ બાઈડેન વહીવટ સાથે સંપૂર્ણ સહયોગથી કાર્ય કરશે. મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા જણવાય એ રીતે જ અમે પણ કાર્ય કરવા ઈચ્છીએ છીએ. એમણે કહ્યું કે આ પહેલાના તબક્કાઓને ધ્યાનમાં રાખી અમને અપેક્ષા હતી જ કે બાઈડેન વહીવટ ટ્રમ્પની નીતિઓની સમીક્ષા કરશે. ખાસ કરીને યુએઈ સાથે એફ-૩૫ ફાયટર જેટના સોદા અને સઉદી આરબ સાથે કરાયેલ હથિયારોના સોદાઓ ઉપર વધુ ભાર મુકવામાં આવશે. યુએઈના રાજદૂતે જણાવ્યું કે અમે હથિયારોની ખરીદી કોઈ પણ આકસ્મિક હુમલાને રોકવા માટે કરીએ છીએ. અમેરિકાની જેમ યુએઈ પણ રક્ષણાત્મક અભિગમ અપનાવે છે જેથી કોઈ પણ પડકારોનો સામનો કરી શકાય. અમેરિકાના સચિવ એન્ટોની બ્લીન્કેને પુષ્ટિ કરી હતી કે અમે ટ્રમ્પ સરકાર દ્વારા કરાયેલ હથિયારોના સોદાઓની સમીક્ષા કરી રહ્યા છીએ અને યુએઈ અને સઉદી અરબ સાથે થયેલ વેચાણ કરારોને અટકાવ્યું છે. ગયા અઠવાડિયે રોઇટરે રિપોર્ટ આપ્યો હતો કે ટ્રમ્પ સરકારે એમના કાર્યકાળના છેલ્લા દિવસે યુએઈ સાથે એફ-૩૫ ફાયટર જેટનો સોદો કર્યો હતો.