Site icon Gujarat Today

બાયડ-દહેગામ રોડ પર ચક્કાજામ કરાયો બાયડના ફતેપુરા ગામે ઢોર અને બળતણની જગ્યા પર ભૂમાફિયાઓનો કબજો

 

(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.રપ
બાયડના ફતેપુરા ગામમાં ૬૦ વર્ષથી ઢોર અને બળતણ માટે અનામત રાખેલી જગ્યા પર ભૂમાફિયાઓએ કબજો જમાવી દેતા તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ બાયડ-દહેગામ રોડ પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર સાથે મામલતદારની સાંઠગાંઠ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું અને ગ્રામજનો સાથે ચર્ચા કરી ચક્કાજામ દૂર કર્યો હતો. ફતેપુરા ગામના ગ્રામજનોએ ગામમાં ઢોર-ઢાંખર અને બળતણ માટે રાખેલી જગ્યા પર ભૂમાફિયાઓએ દબાણ કરતા ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં દબાણ દૂર ન થતા આખરે ગ્રામજનોએ સતત વાહનોથી ધમધમતા બાયડ-દહેગામ રોડ પર ઉતરી આવ્યા હતા. રોડ પર બેસી જવાની સાથે આડાશ મૂકી રોડ બ્લોક કરી દેતા વાહનોની લાંબી કતારો લાગી હતી. ગ્રામજનોએ મામલતદાર ચોર છે અને ન્યાયના બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ અને તંત્ર દોડતું થયું હતું અને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ગ્રામજનોએ ચક્કાજામ દૂર કર્યો હતો. રોડ પર ચક્કાજામ પર બેઠેલા લોકોએ બાયડ મામલતદારની ભૂમાફિયાઓ સાથે મીલીભગત હોવાથી ભૂમાફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે, તેમજ ઢોર-ઢાંખર અને બળતણ માટેની જગ્યામાં વાવેલ વૃક્ષો ગ્રામ પંચાયત કે વનવિભાગને જાણ કર્યા વગર બરોબર ભૂમાફિયાઓને વૃક્ષો કાપવાનો આદેશ આપી જમીન પર કબજો કરવા પ્રોત્સાહન આપી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. મામલતદાર સામે ગંભીર આક્ષેપ થતા ભારે ચકચાર મચી છે.

Exit mobile version