Sports

બે દિવસમાં બાંગ્લાદેશ ઘૂંટણીયે પડ્યું, ભારતે ર-૦થી ક્લિન સ્વીપ કર્યું ટી-ર૦ સ્ટાઈલમાં ભારતે જીતી કાનપુર ટેસ્ટ

કાનપુર ટેસ્ટ જે અંદાજમાં ટીમ ઈન્ડિયાએ જીતી છે તેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે

બાંગ્લાદેશ બીજી ઈનિંગમાં ૧૪૬ રનમાં સમેટાયું, ભારતે ત્રણ વિકેટે ૯પ રનનું લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું, યશસ્વી જયસ્વાલની અર્ધસદી

કાનપુર, તા.૧
બેટ્‌સમેનો અને બોલરોના શાનદાર પ્રદર્શનથી કાનપુર ટેસ્ટ જે અંદાજમાં ટીમ ઈન્ડિયાએ જીતી છે. તેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. જે એટેકિંગ એપ્રોચ સાથે ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચ જતી છે. તેને ઉદાહરણ તરીકે બાકીની ટીમો સામે મૂકવામાં આવશે. ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ ર૮૦ રને જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ સાત વિકેટે પોતાના નામે કરી સિરીઝ ર-૦થી ક્લિન સ્વીપ કરી લીધી અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ર૦ર૩-રપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પોતાની સ્થિતિ વધારે મજબૂત કરી લીધી છે. ૯પ રનનું લક્ષ્યાંક ભારતે ૧૮ ઓવર પૂરી થતા પહેલા જ પ્રાપ્ત કરી લીધું. રિષભ પંતે ચોગ્ગો ફટકારતા ભારતે સિરીઝ ર-૦થી પોતાના નામે કરી. ખાસ વાત આ જીતની એ રહી કે કોઈએ પણ નિરાશ કર્યા નથી અને પૂરી મેચમાં કોઈના કોઈ રીતે યોગદાન આપ્યું. ચોથા અને પાંચમાં દિવસે ટીમ ઈન્ડિયાની બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગે જે કમાલ કર્યો તેને સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. આ મેચમાં કપ્તાન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાનો એગ્રેસિવ એપ્રોચ જોવા લાયક હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાનો યાદગાર વિજય થયો. ૯પ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે કપ્તાન રોહિત (૮)ની વિકેટ ૧૮ રનના સ્કોરે ગુમાવી દીધી હતી. ગિલ પણ ૬ રન બનાવી પેવેલિયન પરત ફર્યો ત્યારે ભારતનો સ્કોર ૩૪ હતો પણ ત્યારબાદ યશસ્વી જયસ્વાલ (પ૧) અને વિરાટ કોહલી (અણનમ ર૯)એ આકર્ષક બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો. જયસ્વાલની ૪પ બોલની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર સામેલ છે. જ્યારે કોહલીએ ૩૭ બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા.
આ પહેલા બાંગ્લાદેશની ટીમે પાંચમા અને અંતિમ દિવસની શરૂઆત બે વિટેકે ર૬ રન સાથે કરી હતી. શદમાન ઈસ્લામ ૭ અને મોમિનુલ હક ખાતુ ખોલાવ્યા વિના મેદાનમાં ઉતર્યા હતા. દિવસની ત્રીજી જ ઓવરમાં અશ્વિને પ્રથમ ઈનિંગના શતકવીર મોમિનુલ હકને બે રને પેવેલિયન પરત મોકલ્યો. જો કે ઈસ્લામ એક છેડેથી અમુક આક્રમક શોટ રમતો દેખાયો અને કપ્તાન શાંતોએ તેનો સાથ આપ્યો. સ્કોર ૯૦ રનની પાર પહોંચ્યો જ હતો કે રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરી કપ્તાન શાંતોને પેવેલિયન પરત મોકલ્યો અને ટીમ ઈન્ડિયાને ડ્રાઈવિંગ સીટ પર બેસાડી દીધી ત્યારબાદ આકાશદીપે ઈસ્લામને પ૦ રનના વ્યક્તિગત સ્કોરે જયસ્વાલના હાથે ઝીલાવી આર્ટ કર્યા. લિટન દાસને જાડેજાએ એક રને આઉટ કર્યો તો રોહિત શર્માની ઉજવણી જોવા જેવી હતી. શાકીબુલ હસન મેદાન પર ઉતર્યા તે બાંગ્લાદેશને મોટી આશા હતી પણ જાડેજાએ કોટ એન્ડ બોલ્ડ કરી કામ ખરાબ કરી દીધું. એક છેડેથી વિકેટ ધડાધડ પડતા જોઈ મુશીફિકુર્રહીમે આક્રમક વલણ અપનાવ્યું હતું. આ દરમ્યાન બુમરાહે મેહદી હસન મિરાજનો શિકાર કર્યો. તે નવ રન બનાવી રીષભ પંતના હાથે ઝિલાયો. નવમી વિકેટના રૂપમાં તૈમુલ ઈસ્લામને બુમરાહે એલબીડબ્લ્યુ કર્યો જે ખાતું પણ બોલી શકયો નહીં. ભારત માટે અંતિમ વિકેટ પણ બુમરાહે રહીમને ૩૬ રને ક્લિન બોલ્ડ કરી ઝડપી હતી. આ સાથે જ બાંગ્લાદેશની ઈનિંગ ૧૪૬ રનમાં સમેટાઈ ગઈ. ટીમ ઈન્ડિયા માટે જસપ્રીત બુમરાહ, અશ્વિન, અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી જ્યારે એક વિકેટ આકાશદીપને મળી હતી.