Downtrodden

ભદોહીમાં મંદિર પાસેના હેન્ડ પંપમાંથી પીવાનું પાણી લેવા બદલ દલિતયુવાનને ઢોરમાર મારવામાં આવ્યો, સાત આરોપી સામે ગુનો નોંધાયો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લામાં એક મંદિરની પાસે આવેલા હેન્ડ પંપમાંથી પીવાનું પાણી લેવા બદલ એક દલિતને ખૂબ જ બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે સાત હુમલાખોર યુવાનો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ભદોહીના એસ.પી મીનાક્ષી કાતિયાને જણાવ્યું હતું કે કોતવાલી વિસ્તારમાં ગાંધીનગર નામના એક લત્તામાં આવેલા મંદિરની બાજુમાં હેન્ડ પંપમાંથી પાણી પીવા બદલ દલિત યુવાનને માર મારવામાં આવ્યાની ઘટના બની હતી. જોકે અદાલતના આદેશ પછી જ પોલીસે કેસ દાખલ કર્યો હોવાનું જાહેર થયું છે. સત્તાવાર સૂત્રોએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે કબડ્ડીનો એક ખેલાડી અભિષેક તેની મેચ બાદ થોડો આરામ કરવા માટે બેસી ગયો હતો અને હેન્ડ પંપમાંથી તેણે પાણી પીધું હતું. નદી કાંઠે આવેલા મંદિરની બાજુમાં આ હેન્ડ પંપ આવેલો છે એટલે ત્યાં છથી સાત યુવાનોનું ટોળું આવી ચડ્યું હતું અને અભિષેકને બેફામ રીતે માર માર્યો હતો. એ વખતે ત્યાંથી પસાર થતા કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા અને તેને બચાવી લીધો હતો. હુમલાખોરોએ દલિત યુવાન અભિષેકના મોંઢા પર એસિડ છાંટી દેવાની પણ ધમકી આપી હતી એવું એસપીએ જણાવ્યું હતું. આ અંગે સાત હુમલા ખોરો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અભિષેક ગૌતમ નામના આ યુવાને સ્પેશિયલ જજ અનુસૂચિત જાતિ અને જનજાતિ કોર્ટમાં એક અરજી કરી હતી અને ન્યાયની માગણી કરી હતી. આથી જજ અસાદ અહેમદ હાશ્મીએે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા પોલીસને આદેશ આપ્યો હતો એટલે કોર્ટના આદેશ પછી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સંજય યાદવ, અજય યાદવ, બ્રિજેશ યાદવ, અર્જુન યાદવ, હરિઓમ યાદવ, આશા યાદવ, અને બંટી યાદવ સામે પોલીસે કેસ દાખલ કર્યો છે પણ આ બધા અત્યારે ફરાર છે કોઈની ધરપકડ થઈ નથી.