પાલેજ, તા.ર૪
મધ્ય આફ્રિકામાં મલાવીમાં આવેલા લીલોગવેમાં સ્થાયી થયેલા તથા સમાજ સેવાના કાર્યમાં જોડાયેલા હાફેજ ઇલ્યાસ ઉમરજી કબોલીવાળા શનિવારે આફ્રિકા ખાતે જન્નતનશીન થયા છે.
કબોલી તાલુકો જિલ્લો ભરૂચના વતની અને એડવોકેટ નોટરી ઐયુબભાઈ પટેલના લઘુબંધુ હાફેજ ઇલ્યાસભાઈ ૩૨ વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયા હતા. મુસ્લિમ સમાજના સાલસ અને સહૃદયી એવા હાફેજી ઇલ્યાસભાઈ ઘણા વર્ષોથી કબોલી ગામની તેમજ આસપાસના કેટલાક ગામોની મુસ્લિમ સમાજની વિધવાઓને દર મહિને ૧૫૦૦ રોકડ સહાય પેટે પહોંચાડતા હતા. તેઓ વતન પ્રેમી હતા ભરૂચ જિલ્લામાં આવેલી મસ્જિદોના ઇમામો અને મોઅઝઝીનને ઘણા વર્ષોથી દર વર્ષે ૮થી ૧૦ની સંખ્યામાં મક્કા મદીના ખાતે ઉમરાહની વ્યવસ્થા કરી તેમના કુટુંબ માટે રકમની વ્યવસ્થા કરી આપતા હતા. લીલોગવે ખાતે દર શુક્રવારે જુમ્માની નમાઝ પછી ત્યાં ગરીબો, સ્થાનિકોને રાશન કીટ, રોકડ સહાયનું વિતરણ કરતા હતા. તેઓ હસમુખ સ્વભાવના અને સામાજિક કાર્ય સાથે સંકળાયેલા વતન પ્રેમી હોવાના લઈ ખૂબ જ જાણીતા હતા તેઓના પરિવારમાં ૯ બાળકો પૈકી ચાર છોકરાઓ યુ.કે.માં એક જર્મનીમાં સ્થાયી છે. એક છોકરો આફ્રિકામાં જીમ ધરાવે છે એક છોકરીએ ડોક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરેલી છે.