(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ લોકાર્પણના નામે એકતા રથયાત્રા ફેરવી રહી છે. ત્યારે વરાછામાં આ યાત્રા દરમિયાન જ કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ શરૂ થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. ખાસ કરીને ભાજપીઓએ માનગઢચોક સ્થિત સરદાર પ્રતિમાને કરેલા હારતોરા કોંગ્રેસીઓએ કાઢીને ફેંકી દીધા હતા, અને આ પ્રતિમાને દુધથી સ્નાન કરી હારતોરા કરતા એક તબક્કે તણાવની સ્થિતિ ઉભી થઇ હતી.
સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું તા.૩૧મી ઓક્ટોમ્બરના રોડ લોકાર્પણ છે. ત્યારે આદિવાસી સમાજ દ્વારા તેનો વિરોધ શરૂ કરાયો છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આ મુદ્દે ટાંપીને બેઠી છે અને વિરોધનો મોકો છોડવા માંગતી નથી. આજે ભાજપ દ્વારા શરૂ કરાયેલી સરદાર એકતા રથયાત્રા વરાછામાંથી પસાર થઇ હતી. ભાજપના મંત્રી કુમાર કાનાણીનાં અધ્યક્ષતામાં એકતા રથયાત્રા વરાછાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. એટલું જ નહીં, મનગઢચોક સ્થિત સરકાર પ્રતિમા પાસેથી રથયાત્રા પસાર થઇ ત્યારે ભાજપી અગ્રણીઓએ સરદાર પ્રતિમાને હારતોરા કર્યા હતા અને આગળ નિકળ્યા હતા. આ સમયગાળા દરમિયાન જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો જનસંપર્ક કાર્યક્રમ પણ આ જ વોર્ડમાં શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસીઓએ પેમ્ફલેટ વહેંચીને ભાજપ વિરૂદ્ધનો પ્રચાર આરંભ્યો હતો. જ્યારે સંપર્ક યાત્રા માનગઢચોક ખાતે પહોંચી ત્યારે કોંગ્રેસીઓએ નવો તુક્કો દોડાવ્યો હતો. તેમણે સરદાર પ્રતિમાને ભાજપીઓએ ચઢાવેલા હારતોરા કાઢીને ફેંકી દીધા હતા અને બાદમાં દુધથી પ્રતિમાને સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસીઓએ નવા હારતોરા કરાવી ભારે સૂત્રોચ્ચાર કરતા એક તબક્કે તણાવની સ્થિતિ પેદા થઇ ગઇ હતી. જો કે, કોઇ અનિચ્છનીય ઘટના નહીં બનતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.