(એજન્સી) કોલકાતા , તા.૨૮
બંગાળના મિદનાપોર જિલ્લામાં છ સ્થળોએ ભાજપના કાર્યકરો દ્વારા પોતાના કાર્યાલયો કબ્જે કરવામાં આવ્યા હોવાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યલયોને કબ્જે કરતાં પહેલા ભાજપના કાર્યકરો દ્વારા ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હોવાનો અને પાર્ટીનો ધ્વજ સળગાવવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાના જવાબમાં ટીએમસીના ટેકેદારો દ્વારા રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. ખેજૂરી ખાતેના સ્થાનિક ટીએમસી નેતા શેખ નૌશાદે જણાવ્યું હતું કે, ગઈસાંજે ભાજપના કાર્યકરો બાઈક પર આવ્યા હતા. અને અમારી છ ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી હતી. અમારી પાર્ટીના ધ્વજ પણ ફાડવામાં આવ્યો હતો. તેમજ કચેરીના દસ્તાવેજો પણ સળગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પાર્ટી ઓફિસ પર કબ્જો જમાવી દીધો હતો. પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી હાથધરી નથી. ભાજપના સ્થાનિક નેતા સુમન દાસે જણાવ્યું હતું કે, તે ટીએમસીની કચેરીઓ ન હતી. જે લોકોએ આ ઓફિસો બંધાવી હતી તેઓ હવે ટીએમસીમાં જોડાયા છે. જેથી ટીએમસીના ધ્વજ દૂર કરવામાં આવ્યો હતો. અને ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનરજીના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યાના કલાકો બાદ ટીએમસીએ આ આરોપ લગાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સુવેન્દુ ટીએમસીના નેતૃત્વ સામે સવાલો કરી રહ્યાં હતા. જેઓ મમતાની પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. જો કે આ તોડફોડ મામલે સુવેન્દુની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થઈ શકયો ન હતો.