(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ઈન્ચાર્જ અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેઓએ ધમણ વેન્ટિલેટરને એક બહુ મોટું કાંડ ગણાવ્યું હતું. ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે, લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
આગામી સમયમાં યોજાનાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પધારેલા પ્રભારી જીતેન્દ્ર બઘેલે વધુમાં જણાવ્યું હતું કે, અમે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઊઠાવીશું. કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી બનાવેલા ત્રણ કાયદા અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ કાયદાથી ખેડૂતો પાયમાલ થઈ જશે, આથી સમગ્ર દેશના ખેડૂતો આંદોલનને સમર્થન કરી રહ્યા છે, ઉપરાંત ગુજરાતથી પણ ખેડૂતો દિલ્હી આંદોલનમાં આવ્યા હતા અને મને મળ્યા હતા. ભાજપ અલગ-અલગ ગુનાઓ નોંધી ડરાવવાનો પ્રયાસ કરે છે.
સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલ રાજકોટ મનપાની ચૂંટણીને લઈને બે દિવસ સુધી રાજકોટમાં રોકાવાના છે. આજે અને કાલે શહેરના ૧૮ વોર્ડમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. જીતેન્દ્ર બઘેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મનપાને આ વખતે ભારી બહુમતિથી જીતાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે નવી રણનીતિ ઘડવામાં આવશે.
રાજકોટમાં કોંગ્રેસ સંગઠન બાબતે જીતેન્દ્ર બઘેલ આજે નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેરના ૧થી ૭ વોર્ડના કાર્યકરો, આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. સાંજે ૪થી ૯ વાગ્યા સુધી ૧થી ૭ વોર્ડની હાલની પરિસ્થિતિ અને આગામી રણનીતિ નક્કી કરી હતી. તેમજ આવતીકાલે ૫ જાન્યુઆરીએ નાગર બોર્ડિંગ ખાતે સવારે ૧૦ વાગ્યે શહેરના વોર્ડ નંબર ૮થી ૧૮ના કાર્યકરો, આગેવાનો, કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરશે.