ઓસી. સામેની બાકીની બે ટેસ્ટ ગુમાવશે
સિડની, તા.૫
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં ૧-૧ની બરોબરી પર રહેલી ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે. ભારતીય બેટ્સમેન કે એલ રાહુલને મંગળવારે ટ્રેનિંગ દરમિયાન કાંડામાં ઈજા થતા તે બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આપેલી માહિતી મુજબ મેલબોર્નમાં ટ્રેનિંગ દરમિયાન કે એલ રાહુલને ઈજા થઈ હતી. વર્તમાન ટેસ્ટ સીરિઝમાં રાહુલ એકપણ ટેસ્ટમાં રમ્યો નથી. ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થશે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યા મુજબ શનિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ વખતે નેટ્સમાં બેટિંગ કરતા કે એલ રાહુલના ડાબા કાંડા પર બોલ વાગતા તેને ઈજા પહોંચી હતી. રાહુલને સંપૂર્ણ ફિટ થતા ત્રણ સપ્તાહનો સમય લાગી શકે તેમ હોવાથી તે સીરિઝની બે ટેસ્ટ રમી શકશે નહીં. પ્રેક્ટિસ દમરિયાન ભારતના ત્રણ થ્રોડાઉન નિષ્ણાતો પૈકી એકનો સામનો કરતી વખતે કે એલ રાહુલને ઈજા થઈ હતી. કે એલ રાહુલ મંગળવારે ટીમ ઈન્ડિયા સાથે સીડની પહોંચ્યો હતો અને ત્યાંથી તે ભારત પરત આવવા રવાના થયો હોવાનું જણાયું છે. રાહુલને બેંગ્લુરુ ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રીહેબિલિટેશન માટે મોકલવામાં આવશે. ઈજાને પગલે રાહુલ પર આગામી ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચ સીરિઝમાં રમવાને લઈને પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. ૫ ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડના ભારત પ્રવાસનો ટેસ્ટ મેચથી પ્રારંભ થશે. રાહુલ ઈજાગ્રસ્ત થતા મિડલ ઓર્ડરમાં મયંક અગ્રવાલ અથવા હનુમા વિહારી બન્નેમાંથી એકને ટીમ પ્લેયિંગ ઈલેવનમાં તક મળશે. જો કે વાઈસ કેપ્ટન રોહિત શર્મા ક્યાં ક્રમે બેટિંગ કરે છે તેના પર આ નિર્ભર રહેશે.