આર્થિક સ્થિતિમાં સુધારા બાદ મે મહિના પછી ઓક્ટો.માં પ્રથમ વખત રોજગારમાં જંગી ઘટાડો જોવા મળ્યો
(એજન્સી) તા.૭
ભારત માટે રોજગારના મોરચે ખરાબ સમાચાર છે. આર્થિક સ્થિતિમાં સુધારો છતાં ઓક્ટો.માં મે બાદ પ્રથમ વખત રોજગારમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટો.માં ૫.૫ લાખ રોજગાર ગુમાવવા પડ્યાં છે એવું સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમિના ડેટા પરથી જાણવા મળ્યું છે. મે મહિનામાં આર્થિક સુધારાની શરૂઆત થઇ ત્યારથી પ્રથમ વખત ઓક્ટો.માં રોજગારમાં મોટો ઘટાડો નોંધાયો છે એવું સીએમઆઇએ ૧,નવે.ના રોજ સમાપ્ત થયેલા શ્રમ બજારના સાપ્તાહિક વિશ્લેષણમાં જણાવ્યું છે. એપ્રિલમાં ૧૨૧ મિલિયન રોજગારોને નુકસાન થયું હતું પરંતુ મે, જૂન અને જુલાઇમાં ૧૧૦ મિલિયન રોજગારો પાછા ઊભા થયાં હતાં. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટે.માં માત્ર ૫૦ લાખ રોજગારો ઉમેરાયા હતા. હવે ઓક્ટો.માં પ્રથમ વાર આર્થિક સુધારો શરુ થયાં પછી રોગારમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રોજગારની માગણી વધી રહી છે ત્યારે રોજગારમાં ઘટાડો જોવા મળ્યો છે. રોજગારોની સંખ્યા ઓક્ટો.માં ૧૨ મિલિયન જેટલી વધી ગઇ છે. તાજેતરમાં આઇએચએસ માર્કેટ સર્વિસીસના પીએમઆઇ સર્વેમાં પણ ઓક્ટો.માં રોજગારમાં ઘટાડો નોંધાયો હતો. સીએમઆઇના જણાવ્યાં પ્રમાણે સપ્ટેે.માં રોજગારનો દર ૩૮ ટકા હતો તે ઘટીને ઓક્ટો.માં ૩૭.૮ ટકા થયો. આમ ઓક્ટો.માં બેરોજગારોની સંખ્યા વધીને ૧.૨ કરોડ પર પહોચી ગઇ. તહેવારોની મોસમ, ખરીફ પાકની લળણી અને કેટલાક રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં દેશની રોજગાર સ્થિતિમાં સુધારો આવ્યો નથી. સીએમઆઇના જણાવ્યા અનુસાર લેબર ફોર પાર્ટીસિપેશન રેટ (એલપીઆર)માં સ્થગિત થતાં અને બેરોજગારીનો દર વધવાથી આ સ્થિતિ ઊભી થઇ છે. સીએમઆઇના જણાવ્યા અનુસાર દેશમાં રોજગારમાં ૨૦૧૬-૧૭થી સતત ઘટાડો થઇ રહ્યો છે.