(એજન્સી) તા.૨૮
અમેરિકાના ટેક્સાસની રાજધાની ઓસ્ટિનના એક બાળ રોગોના વિભાગમાં કેન્સરથી પીડિત ભારતીય મૂળના ૪૩ વર્ષીય એક બાળ રોગ નિષ્ણાંતે અમુક લોકોને બંધક બનાવી લીધા હતા. તેના પછી તેમણે એક મહિલા ડૉક્ટરને ગોળી મારી તેની હત્યા કરી નાખી અને પછી પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે જણાવ્યું કે હથિયારધારી વ્યક્તિની ઓળખ ડૉ. ભરત નરુમાંચી તરીકે થઈ છે જે કેન્સરથી પીડિત હતો. સીએનએનના અહેવાલ અનુસાર ઓસ્ટિન પોલીસ વિભાગે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે પોલીસને મંગળવારે બાતમી મળી હતી કે એક વ્યક્તિ ચિલ્ડ્રન્સ મેડિકલ ગ્રુપ (સીએમજી) ની ઓફિસમાં હથિયાર લઇને પ્રવેશ્યો છે અને તેણે કેટલાક લોકોને બંધક બનાવી લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતમાં ઘણા લોકોને બંધક બનાવ્યા હતા પરંતુ ઘણા લોકો પકડમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને કેથેરિન ડોડસન નામની બાળકોની ડૉક્ટર સિવાય હુમલાખોરે અન્ય લોકોને બહાર નીકળવાની છૂટ આપી હતી. પોલીસે જણાવ્યું કે જે લોકો હુમલાખોરની ચુંગાલમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, તેઓએ ઘટના સ્થળે અધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેની પાસે જે પિસ્તોલ હતી તે શૉટગન જેવી દેખાતી હતી. ડૉ. નરૂમાંચી અને ડો.ડોડસન વચ્ચેના કોઈપણ પ્રકારનાં સંબંધ વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. પોલીસ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર એવું લાગે છે કે ડૉ.ડોડસનની હત્યા કર્યા પછી ડૉ.નરૂમાંચીએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. પોલીસે આ સંપૂર્ણ ઘટનાક્રમ મામલે તપાસ કરી રહી છે.