National

ભારત બંધ : ભાજપના ગિરિરાજ જટવ, બસપાના નેતાની હિંસા ફેલાવવા બદલ ધરપકડ કરાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દલિત સંગઠનો દ્વારા કરવામાં આવેલ ભારતબંધ દરમ્યાન ભડકેલી હિંસાના કથિત આરોપમાં બહુજન સમાજવાદી પાર્ટીના મુઝફ્ફરનગરના જિલ્લા પ્રમુખ કમલ ગૌતમની ધરપકડ કરાઈ છે.
ઉત્તર પ્રદેશ પોલીસ તેમની વિરૂદ્ધ વધુ કેસ દાખલ કર્યા છે. શુક્રવારે રાત્રે ગૌતમની અટકાયત બાદ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને ર૦ એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ અપાવ્યો છે. તેમના પર ધારા ૧૪૪ના ઉલ્લંઘન તેમજ ટોળાને ભડકાવવા સહિતના આરોપો મૂકવામાં આવ્યો છે.
એસએસપી અનંત દેવે કહ્યું કે પુરાવાના આધારે તેમણે પક્ષના કાર્યકર્તાઓને શરાબ પૂરી પાડી હતી અને નશાની હાલતમાં તેઓ મોટી સંખ્યામાં હોબાળો કરવા નીકળી પડ્યા હતા.
સુપ્રીમકોર્ટ દ્વારા એસસી/એસટી એક્ટમાં કરાયેલ ફેરફારના વિરોધમાં દલિતોએ બીજી એપ્રિલના રોજ દેશવ્યાપી બંધ પાળ્યો હતો જેણે ઉત્તરપ્રદેશ, ગુજરાત, બિહાર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં હિંસક રૂપ ધારણ કર્યું હતું.