બીજી ટેસ્ટ મેચમાં વરસાદ ન પડ્યા છતાં મેદાન કોઈ રીતે રમવાને લાયક બનાવી ન શકાતા ચાહકો ભારે ગુસ્સામાં
ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે પણ અમ્પાયરોએ બે વખત નિરીક્ષણ કર્યું અને બપોરે નિરીક્ષણ કર્યા બાદ પણ રમત શરૂ ન થઈ શકતા સોશિયલ મીડિયા પર ક્રિકેટ બોર્ડની સામે ભારે ગુસ્સો ઠાલવતા અને બોર્ડ પર માછલા ધોતા ક્રિકેટ ચાહકો
કાનપુર, તા.૨૯
કાનપુરમાં ગ્રીનપાર્ક સ્ટેડિયમ પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના બીજા અને આખરી ટેસ્ટ મેચમાં સતત ત્રીજા દિવસે પણ એક પણ દડો ફેંકી શકાયો નહોતો અને રમત શરૂ જ થઈ શકી નહોતી. વરસાદ ન થયો હોવા છતાં એક પણ બોલ ફેકાયા વિના સતત ત્રીજા દિવસની રમત પણ પાણીમાં ગઈ હતી જેના કારણે ક્રિકેટ ચાહકો ગુસ્સેદ થયા છે અને ક્રિકેટ બોર્ડ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લોકો એમનો ગુસ્સો ઠાલવતી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ રવિવારે તો સવારથી વરસાદ થયો નથી અને એક ટીપું પણ પડ્યું નથી છતાં પણ રમત શરૂ કરી શકાય નથી અમ્પાયરોએ રવિવારે બપોરે ૨ઃ૦૦ વાગ્યે પીચનું અને મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને એ પછી રમત શરૂ નહીં થાય એવી જાહેરાત કરવામાં આવતા ક્રિકેટ ચાહકો ભારે ગુસ્સે થઈ ગયા છે અને નિરાશ પણ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ એવી ટકોર કરી છે કે વિશ્વના સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ માટે આ ઘણું શરમજનક કહેવાય.
ટેસ્ટ મેચનો પહેલો જ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો અને બીજો દિવસ પણ વરસાદને કારણે મેદાન એકદમ ખરાબ થઈ જતા અને બીજ પણ પલળી જતા બીજા દિવસે પણ એક પણ દડો ફેંકાયો નહોતો અને ટેસ્ટ શરૂ થઈ શક્યો નહોતો. શનિવારે રાત્રે ફરી વરસાદ થયો હતો અને બંને ટીમના ખેલાડીઓ હોટેલમાં જ રહ્યા હતા અને મેદાન ઉપર પણ આવી શક્યા નહોતા. બપોરના સમયે સૂરજ પણ નીકળ્યો હતો અને થોડો તડકો હતો પરંતુ મેદાન પર ઘણા સ્થળે પાણી સુકાયું જ નહોતું છતાં ચાહકોને આશા હતી કે ટેસ્ટ મેચ શરૂ થશે પરંતુ બોલરોના રનઅપ વિસ્તારમાં જ પાણી સુકાયું નહોતું અને કાદવ હોવાથી એ વિસ્તાર પણ સુકાવી શકાયો નહોતો અતિ ત્રીજા દિવસની રમત પણ શક્ય બની નહોતી અને અમ્પાયરોએ જાહેર કરી દીધું હતું કે ટેસ્ટ મેચ ચાલુ થઈ નહીં શકે. આ જાહેરાત સાથે જ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો હતાશા વ્યક્ત કરી રહ્યા છે અને સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ તથા પાણી સુકાવાની વ્યવસ્થા અંગે સવાલો ઊભા કરી રહ્યા છે અને ઘણા ક્રિકેટ ચાહકો હોય તો ગ્રીન પાર્ક સ્ટેડિયમને ક્રિકેટની દુનિયાનું સૌથી ખરાબમાં ખરાબ સ્ટેડિયમ ગણાવ્યું હતું અને નબળી સુવિધાઓ બદલ ક્રિકેટ બોર્ડની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે વિશ્વના સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ માટે આ શરમજનક ઘટના છે. હવે ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસ એટલે કે સોમવાર અને મંગળવાર માટે શું આગાહી છે એ વિશે જાણીએ તો આવનારા બંને દિવસ સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ જોવા મળી શકે છે એવી આગાહી થઈ છે અને વરસાદ થવાની શક્યતા પણ નથી એવું હવામાન ખાતું જણાવે છે. હવે ટેસ્ટના માત્ર બે દિવસ બાકી રહ્યા હોવાથી કોઈ પરિણામ આવવાની શક્યતા જ નથી બાંગ્લાદેશના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ૧૦૭ રન થયા હતા એ પછી તો બિલકુલ રમત શક્ય બની નથી. છેલ્લા નવ વર્ષમાં પહેલીવાર એવું થયું છે કે ઘર આંગણે કોઈ ભારતીય સુકાનીએ ટોસ જીત્યા પછી બોલિંગ પસંદ કરી હતી અને ભારતે પહેલા ટેસ્ટની ટીમ જ યથાવત રાખી હતી અને કુલદીપ યાદવના સ્થાને આકાશદીપને જ જગ્યા મળી હતી.