ભાવનગર, તા.૧૨
ભાવનગર શહેરના કુંભારવાડા, અમર સોસાયટી પાછળ, શેરી નં. ૭, ગોકુલનગર વિસ્તારમાં રહેતાં ત્રિકમભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.પ૮) નામના આધેડ સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની પુત્રી કંચનબેન (ઉ.વ.ર૬)ના લગ્ન આઠ વર્ષ અગાઉ કુંભારવાડામાં જ રહેતાં જીજ્ઞેશભાઈ જેસીંગભાઈ મેર સાથે થયા હતા.
લગ્નજીવન દરમ્યાન કંચનબેન ત્રણ વર્ષના પુત્ર દેવની માતા બન્યા હતા. ફરિયાદીએ જમાઈ જિગ્નેશને પર સ્ત્રી સાથે આડો સંબંધ હોઈ તેથી તેનો પક્ષ લઈ તેના પિતા જેસીંગભાઈ (મૃતકના સસરા), ભાઈ હિંમતભાઈ (મૃતકના જેઠ) અવારનવાર પરિણીતા કંચનબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપી, ચીજવસ્તુઓની તથા રોકડ રકમની માગણી કરી ફરિયાદીના ભાણેજ (પુત્રીના મૃતક પુત્ર દેવા સાથે મળવા નહીં દઈ, પોતાની પુત્રીને મારઝૂડ કરી ત્રણે શખ્સે મરવા મજબૂર કરતાં ફરિયાદીની પુત્રી કંચનબેન તથા ભાણેજ દેવ તેના ઘરના પાણીના ટાંકામાં પડી મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે પોલીસે મૃતકના પતિ જીજ્ઞેશ મેર, સસરા જેસીંગ મેર, જેઠ હિંમત જેસીંગભાઈ મેર વિરૂદ્ધ આઈપીસી કલમ-૪૯૮-ક, ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ઉક્ત તમામ આરોપીઓને બી-ડિવિઝન પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.