(એજન્સી) તા.૮
૧૯૮૪ની ભોપાલ ગેસ હોનારતમાં બચી ગયેલા લોકો માટે સતત કાર્ય કરતાં કર્મશીલ રચના ઢીંગરાએ એવો આક્ષેપ કર્યો છે કે કોવેક્સીન વેક્સીનની ટ્રાયલના ભાગરુપે ભોપાલ ગેસ હોનારતના પીડિતોને અંધારામાં રાખીને તેમના પર કોરોનાની વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી રહી છે.
સંબંધીત હોસ્પિટલ દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવતી હોવાનો વધુ આક્ષેપ કરીને રચના ઢીંગરાએ જણાવ્યું હતું કે આ ટ્રાયલના ભાગરુપે વેક્સીન આપ્યાં બાદ જે આડઅસરો થાય છે તેના અંગે કોઇ યોગ્ય માહિતી કે માર્ગદર્શન આપવામાં આવતું નથી. તેમણે એવો દાવો કર્યો છે કે પીપલ્સ કોલેજ ઓફ મેડિકલ સાયન્સીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ભોપાલ ગરીબનગર, શંકરનગર અને ઓરીયા બસ્તી સહિત યુનિયન કાર્બાઇડ ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં પોતાની ટીમ અને વાહનોને મોકલે છે કે જ્યાં ભોપાલ ગેસ હોનારતના અસરગ્રસ્ત લોકો વસે છે.
ઢીંગરાએ એવો આક્ષેપ કર્યો છે કે લોકોને કોરોના વાયરસ અટકાવવા માટે ઇન્જેક્શન લેવા આગળ આવવા જાહેરાતો કરવામાં આવી હતી અને તેમને તેના બદલામાં રુ.૭૫૦ ચૂકવાશે એવી લાલચ આપવામાં આવી હતી. કેટલાકે આ વેક્સીન વિનામૂલ્યે મળે છે એમ માનીને પોતાને વેક્સીન અપાવી હતી. રુ.૭૫૦નું વળતર ચૂકવવું એ મોટી વાત છે કારણ કે અહીં સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો વસે છે અને અમુક લોકો નિરક્ષર પણ છે. આ સમુદાયમાંથી ૬૦૦થી ૭૦૦ જેટલા લોકોને વેક્સીન મૂકવામાં આવી છે એવો ઢીંગરાએ દાવો કર્યો હતો. કોઇને એવી જાણ કરવામાં આવી ન હતી કે ટ્રાયલના ભાગરુપે તેમને વેક્સીન આપવામાં આવી રહી છે. તેમને કોઇ સંમતિ ફોર્મ પણ આપવામાં આવ્યું ન હતું. આ ફોર્મ નહીં આપવું એ એક પ્રકારનું ઉલ્લંઘન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચના સહયોગમાં ભારત બાયોટેક દ્વારા સ્વદેશી વેક્સીન કોવેક્સીનનું ઉત્પાદન કરવામા ંઆવી રહ્યું છે અને હાલ પીપલ યુનિવર્સિટી ભોપાલ ખાતે તેની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. જો કે હાસ્પિટલ સત્તાવાળાઓએ આ આક્ષેપોને રદીયો આપીને જણાવ્યું હતું કે તમામ પાર્ટીસીપન્સ સ્વયંસેવકો છે કે જેમણે ટ્રાયલ માટે સંમતિ આપી હતી.