અમદાવાદ, તા.૨૩
તારીખ ૧લી જાન્યુઆરી-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૩૧/૧/૨૦૧૯ના કરવામાં આવી છે. આ આખરી પ્રસિધ્ધ થયેલી મતદારયાદી પરથી મતદારની અધતન વિગતો ચકાસી શકાય છે. જો લાયકાત ધરાવનાર કોઇ નાગરિકનું મતદારયાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો હજુ પણ સતત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમૂના ફોર્મ નં.૬ ભરીને રજુ કરી શકાશે.
આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ને ધ્યાને લેતાં લાયકાત ધરાવનાર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય. તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચુંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ કેમ્પનું આયોજન કરાયું છે.
ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી આજે ૨૪મી ફેબ્રુઆરી સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન બંને દિવસોએ રાજયની તમામ વિધાનસભા મતવિભાગોમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જયાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે. તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજુ કરી શકાશે. ઉપરાંત મતદારયાદીમાં રહેલા મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી માટે, ફોટો, વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજુ કરી શકાશે. નિયત નમૂનાના કોરા ફોર્મ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે.