(એજન્સી) ભોપાલ, તા.૧૮
જાતિ આધારિત ભેદભાવ અને દુર્વ્યવહારની એક ચોંકાવનારી ઘટનામાં મધ્યપ્રદેશના મૌગંજ જિલ્લાના ચિતાઈ પુરવા ગામના એક દલિત વ્યક્તિને ખુરશી પર બેસવા માટે ભારે ઉત્પીડનનો સામનો કરવો પડ્યો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કથિત દુર્વ્યવહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં અનુસૂચિત જાતિ સમુદાયના સભ્ય અશોક સાકેતને સહન કરવી પડેલ તકલીફને દર્શાવવામાં આવી હતી. અશોકે અહેવાલ આપ્યો કે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી અજાણ્યા વ્યક્તિઓએ તેમના ઘર પર હુમલો કર્યો, દરવાજો તોડ્યો અને ધમકીઓ આપી કે, “તમે પોલીસ ફરિયાદ નોંધાવી; હવે પરિણામ ભોગવવા તૈયાર રહો.” આ ઘટના મૌગંજ જિલ્લાના લૌર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ગામ ચિતાઈ પુરવામાં બની હતી. ૧૦ નવેમ્બરની સવારે, અશોક સાકેત તેના ઘરની બહાર ખુરશી પર બેઠો હતો ત્યારે એક સ્થાનિક રહેવાસી, મયંક દ્વિવેદી ત્યાંથી પસાર થયો. અશોકને બેઠેલા જોઈને મયંક ગુસ્સે થઈ ગયો અને તેના પર જાતિવાદી અપશબ્દો બોલવા લાગ્યો. મયંકે કથિત રીતે કહ્યું, “તમે નીચલી જાતિના છો; તમને અમારી સામે ખુરશી પર બેસવાનો અધિકાર નથી. જવાબમાં અશોકે તેની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, એમ કહીને કે તે તેના પોતાના ઘરની બહાર બેઠો હતો અને તેનાથી કોઈને તકલીફ ન થવી જોઈએ. જો કે, મયંકનો ગુસ્સો વધી ગયો અને તેણે અશોક સાથે જાતિ આધારિત અપમાન કરવાનું ચાલુ રાખ્યું.
સત્તાવાળાઓ સામે પોલીસ ફરિયાદ અને આક્ષેપો
અશોકે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ઝઘડાનો વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેણે વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું. જો કે, અશોકે પોલીસ અધિકારીઓ દ્વારા દુર્વ્યવહારનો પણ આક્ષેપ કર્યો હતો. મીડિયા સાથે વાત કરતા, અશોકે જણાવ્યું, “જ્યારે હું લૌર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો, ત્યારે પોલીસે મારી ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી. તેના બદલે, તેઓએ મારી વિરૂદ્ધ જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો, જે ખૂબ જ દુઃખદાયક હતું. જોકે આખરે એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસનું વર્તન નિરાશાજનક હતું. અશોકે જણાવ્યું કે એફઆઈઆર નોંધ્યા બાદ અજાણ્યા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો. ૧૦ નવેમ્બરની સાંજે, તે પોલીસ સ્ટેશનથી પાછો ફર્યો તેના થોડા સમય પછી, કેટલાક લોકો તેના ઘરમાં ઘૂસી ગયા, દરવાજાને નુકસાન પહોંચાડ્યું અને ધમકીઓ આપી. તેઓએ તેને ચેતવણી આપતાં કહ્યું, “તમે પોલીસમાં ફરિયાદ નોંધાવી; હવે પરિણામ ભોગવવા તૈયાર રહો” અશોકના પરિવારે પોલીસને હુમલાખોરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
દલિત આગેવાનોની પ્રતિક્રિયા : આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની અનુસૂચિત જાતિ (જીઝ્ર) પાંખના પ્રમુખ પ્રદીપ અહિરવારે આ કૃત્યની નિંદા કરી. તેમણે ટિપ્પણી કરી, “આપણા સમાજમાં હજુ પણ જાતિ આધારિત ભેદભાવ અને હિંસાની ઘટનાઓ પ્રચલિત છે. આ કમનસીબ ઘટના પ્રવર્તી રહેલ જ્ઞાતિવાદને ઉજાગર કરે છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.” ભારતનું બંધારણ જાતિ આધારિત ભેદભાવ સામે મજબૂત સુરક્ષા પ્રદાન કરે છે. કલમ ૧૭ અસ્પૃશ્યતાને નાબૂદ કરે છે અને જાતિ આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરે છે. વધુમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯, જાતિવાદી દુર્વ્યવહાર, શારીરિક હુમલો અને મિલકતને નુકસાનને ગુનાહિત બનાવે છે. આ અધિનિયમ અપરાધીઓ માટે કડક દંડની જોગવાઈ કરે છે, આવા કૃત્યોને ગંભીર ફોજદારી અપરાધો તરીકે વર્ગીકૃત કરે છે. દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોએ પણ આ ઘટનાની નિંદા કરી છે, પીડિતને ન્યાય આપવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની હાકલ કરી છે. તેઓએ જાતિ આધારિત ભેદભાવને નાબૂદ કરવા માટે જાગૃતિ વધારવા અને સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ નોંધ્યું હતું કે, કાયદાકીય પગલાં આવશ્યક હોવા છતાં આવા અન્યાયને સમાપ્ત કરવા માટે સામાજિક પરિવર્તન અને વધુ જાગૃતિ નિર્ણાયક છે. મૌગંજ પોલીસે પુષ્ટિ કરી કે એફઆઈઆર નોંધવામાં આવી છે, અને તપાસ ચાલી રહી છે. મીડિયા સાથે વાત કરતા, પોલીસ અધિક્ષક રસના ઠાકુરે જણાવ્યું, “આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ગેરવર્તણૂક અંગેની ફરિયાદ સત્તાવાર રીતે પ્રાપ્ત થઈ નથી, પરંતુ જો આવા આક્ષેપો સાચા જણાશે તો સંડોવાયેલા લોકો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ છે, જેના કારણે રાજ્યભરમાં આક્રોશ અને ન્યાયની માંગણીઓ થઈ રહી છે.