(એજન્સી) તા.૨૮
સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ કોવીડ-૧૯ની વેક્સીન કોવેક્સિનના મામલે મુંબઇની જેજે હોસ્પિટલના તબીબો વિભાજિત છે. તબીબો કોવેક્સિનને લઇને અલગ અલગ અભિપ્રાય અને મતભેદો ધરાવે છે. જેજે હોસ્પિટલના અડધા કરતાં વધુ સંખ્યામાં ડોક્ટરોએ રસીકરણના પ્રથમ તબક્કામાં કોવેક્સિનનો ડોઝ લેવાનો ઇનકાર કર્યો છે જ્યારે ડો.રણજીત મંકેશ્વર અને ડો.રાગિણી પારેખના નેતૃત્વ હેઠળના તબીબોના એક જૂથે કોવેક્સિનનો ડોઝ માત્ર લીધો જ નથી પરંતુ કોવેક્સિનની કાર્યક્ષમતા અને સુરક્ષાના ભરપેટ વખાણ કર્યા છે. જો કે જે ડોક્ટરોએ કોવેક્સિનનો ડોઝ લેવાનો ઇનકાર કર્યો છે તેઓ ખુલ્લેઆમ સામે આવી રહ્યાં નથી. તેમાંના કોઇ પણ ડોક્ટર રેકોર્ડ પર સત્તાવાર રીતે કંઇ કહેવા માગતાં નથી. પરંતુ તેમનું કહેવું એવું છે કે તેઓ એ જાણવા માગે છે કે જ્યારે મુંબઇ શહેરની અન્ય તમામ હોસ્પિટલમાં કોરોના વેક્સીન તરીકે કોવિશીલ્ડ વેક્સીનનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે જેજે હોસ્પિટલે હજુ સુધી જે વેક્સીન નિવડેલ નથી એવી કોવેક્સિનનો વિકલ્પ શા માટે પસંદ કરવો જોઇએ ? આ બાબતે ખાસ કરીને વોટ્સએપ ગ્રુપમાં ભારે વાદ વિવાદ ચાલી રહ્યો છે. આ હોસ્પિટલ કોવેક્સિનના ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણનું કેન્દ્ર હતું કે જેના ડેટા ઉત્પાદક ભાર બાયોટેક દ્વારા હજુ ઉપલ્બધ કરવામાં આવેલ નથી. હોસ્પિટલે ૪૫૮ જેટલા સ્વયંસેવકોને વેક્સીન આપ્યાં બાદ આ મહિનાના આરંભમાં તેની ટ્રાયલ સ્થગિત કરી હતી. હોસ્પિટલનું કહેવું એવું હતું કે રાષ્ટ્રીય રીતે જરુરી સ્વયંસેવકોની સંખ્યાએ આ વેક્સીન લઇ લીધેલ છે. આમ એક સિનિયર ડોક્ટરે એવું જણાવ્યું હતું કે આથી અમે વિચિત્ર સ્થિતિમા મૂકાઇ ગયાં છીએ. એક બાજુ અમારી હાસ્પિટલના ડોક્ટરોની ટીમ જે ૪૫૮ સ્વયંસેવકોને આ વેક્સીન આપવામાં આવી હતી તેમના પર આ વેક્સીન અસરકારક અને સુરક્ષિત રહી છે કે કેમ તેના ડેટા ચકાસી રહી છે તો બીજી બાજુ અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે આ વેક્સીનનો ડોઝ લો અને એવી ખાતરી આપવામાં આવી રહી છે કે તે સુરક્ષિત અને અસરકારક છે. આમ મહારાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં કોવેક્સિન અંગે ડોક્ટરોના બે ભાગલા પડી ગયાં છે જેમાં એક જૂથ આ વેક્સીન લેવાની તરફેણમાં નથી અને બીજુ જૂથ આ વેક્સીન લેવા ઉપરાંત તેની ભારે પ્રશંસા કરી રહ્યું છે.