(એજન્સી) જયપુર, તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝૂનઝૂનમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, જ્યારે એક દીકરી ફાઈટર પ્લેન ઉડાવે છે ત્યારે ખબર પડે છે કે દીકરીઓમાં કેટલી તાકાત હોય છે. રાષ્ટ્રીય પોષણ મિશન અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનો શુભારંભ કરતાં મોદીએ કહ્યું કે, વેદથી વિવેકાનંદ બાબા દેશમાં એવી શું ખરાબી આવી ગઈ કે આપણે બેટી બચાવવા માટે આપણા જ ઘરમાં ઝઝૂમવું પડે છે. તેમજ બજેટથી ખર્ચ કરવો પડે છે. આજે ૮૦૦ પુરૂષો સામે ૭૦૦ છોકરીઓ છે. સમાજ છોકરીઓને નકારતો રહ્યો અને મારતો રહ્યો તેનું આ ખરાબ પરિણામ છે. આ એક પેઢીમાં ઠીક થાય તેવું નથી. આ કાર્યક્રમને જનઆંદોલન બનાવવું પડશે. બેટી બોજ નથી, પરંતુ સમાજની આન, બાન અને શાન છે. હરિયાણા અભિનંદનને પાત્ર છે જ્યાં છેલ્લા ર વર્ષમાં સ્થિતિ બદલાઈ છે અને દીકરીઓનો જન્મદર વધ્યો છે. જે નવો વિશ્વાસ અને આશાનું કિરણ છે.