(સંવાદદાતા દ્વારા) વીરપુર, તા.૧૪
મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂઆત થતાં સમગ્ર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા આવી રહ્યા છે. ગ્રામ પંચાયત તેમજ મામલતદાર કચેરીઓમાં આ યોજનાનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં કુલ બે હેકટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક ૬ હજાર રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં દર ચાર માસે ચૂકવવામાં આવશે,પતિ-પત્ની અને સગીર બાળકોનો એક પરિવાર અને તમામ સભ્યોની રેવન્યુ રેકડ મુજબ ધારણ કરેલ કુલ જમીન એકત્રિત કરતા બે હેક્ટર કરતા ઓછી કુલ જમીન થતી હોય તેવા નાના અને શ્રીમંત જમીનધારક પરિવારની વ્યાખ્યામાં આવે છે. ૭.૫ હેકટર જમીનવાળા ખાતામાં દાદા- દાદી, માતા- પિતા, તથા ત્રણ પુખ્ત ભાઈ- બહેન અને એક સગીર પુત્ર એમ ૮ નામ હોય તેવા કિસ્સામાં દાદા- દાદીનું એક કુટુંબ, માતા-પિતા, સગીર પુત્રનું એક કુટુંબ ગણી તેમજ ત્રણેય પુખ્ત ભાઈ-બહેનના અલગ-અલગ ત્રણ કુટુંબ ગણી એટલે કે, એક જ ખાતામાં ૫ પરિવાર હોય જમીન ૭.૫ હેકટર હોઈ દરેક પરિવારના ભાગે ૧.૫ હેકટર જમીન આવતી હોઈ આ પાંચેય પરિવારને સહાય એક જ સંયુક્ત ખાતું હોય તો પણ આ યોજના અન્વયે મળવા પાત્ર છે. વર્ગ ૧,૨,૩ ને તેમજ ઇન્કમટેક્સ ભરેલ હોય, વય નિવૃત પેન્શનધારકો જેઓ પ્રતિમાસ ૧૦ હજાર કે તેથી વધુ પેન્શન મેળવતા તેમને લાભ મળવા પાત્ર નથી, જ્યારે લાગુ પડતા હોય તેવા તમામ ખેડૂતોને પુરાવામાં આધારકાર્ડ, કાર્ડ તથા બેંક પાસબુકની ઝેરોક્સ નકલ સાથે સત્વરે તલાટી કમમંત્રીને પહોંચાડવા તેમજ ઓનલાઇન નોંધણી કરાવી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે.