(સંવાદદાતા દ્વારા) મહુવા,તા.૧ર
વિકસિત ગુજરાતનાં નામે મોટીમોટી ગુલબાંગો પોકારી વોટ મેળવતા નેતાઓનું ચૂંટણી પછી જાણે પેટનું પાણીય હલતું નથી જેથી પ્રજાને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ધરમ ધક્કા ખાવા તેમજ વર્ષો સુધી રાહ જોવી પડે છે. આવી જ સમસ્યા મહુવા શહેરમાં નગરપાલિકાની હદને અડીને નવા વિકસીત વિસ્તારના લઘુમતી કોમની સોસાયટીઓમાં વસતા લોકોની છે. જેઓને છેલ્લા રપથી ૩૦ વર્ષથી સિટી સર્વેમાં સામેલ ન કરાતા આશરે. રપથી ૩૦ હજારની વસ્તી ધરાવતો લઘુમતિ વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત છે. સંસદસભ્ય, ધારાસભ્યથી લઈ કલેક્ટર સુદ્ધાને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોણ જાણે કેમ સૌ કોઈને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. પ્રાથમિક સુવિધાથી વંચિત આ રહીશો આખરે આંદોલનનો માર્ગ અખત્યાર કરે તો નવાઈ નહીં !
મહુવા શહેરની મધ્યમાં આવેલ લગભગ ર૭થી ર૮ સોસાયટીઓને છેલ્લા રપ-૩૦ વર્ષથી સિટી સર્વેમાં સામેલ ન કરાતાં આ લઘુમતિ વિસ્તારનાં લોકો પાયાની સુવિધાઓ જેમ કે પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ લાઈન, શાળા, પાકા રસ્તા, આંગણવાડી તેમજ અન્ય સરકારી સુવિધાઓ વિના બદતર અવસ્થામાં જીવી રહ્યા છે. આશરે રપથી ૩૦ હજારની વસ્તી ધરાવતા આ લઘુમતી વિસ્તારના પ્રશ્નો અંગે વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નક્કર પગલા લઈ સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી. મામલતદાર, ચીફ ઓફિસર કલેક્ટર, ધારાસભ્ય તથા સંસદસભ્યને ઘણા વર્ષોથી રજૂઆત કરવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી લોકોને અન્યાય સહન કરવાની હવે જાણે ટેવ પડી ગઈ છે. સતત ગંદકી વચ્ચે જીવતી આ વસ્તી હવે સુવિધાઓ જંખી રહી છે. આરોગ્ય બાબતે પણ પ્રશ્નો ઉભા થયાં છે. જેમ કે બોરના પાણી ખારા થઈ ગયા છે. ઉપરાંત આ વિસ્તાર નગરપાલિકામાં ન હોવાથી ચૂંટણી સમયે આ વિસ્તારના લોકો મતદાન પણ કરી શકતા નથી. સ્વચ્છ ભારત અહીં માત્ર સપનું હોય તેવું લાગે છે. આ લઘુમતિ વિસ્તારમાં સરકાર યોગ્ય કામગીરી નહીં કરે તો આગામી દિવસોમાં લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે. તેવું જાણવા મળી રહ્યું છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવા ધારાસભ્ય તથા સંસદસભ્ય આ પ્રશ્નોને ઉકેલવામાં સક્રિયતા દાખવે તેવી લોકોની લાગણી અને માગણી છે.