(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.૧૨
કડી તાલુકાના નંદાસણમાં વકરેલી દારૂના વેચાણની પ્રવૃતિઓ અટકાવવા માટે જમીયતે ઉલમાએ હિંદ અને ક્ષત્રિય-ઠાકોર સેનાના કાર્યકરોએ સ્થાનિક પોલીસ ઈન્સપેક્ટરને મળી રજૂઆત કરી હતી અને આ અંગે લેખિત આવેદનપત્ર આપી પગલાં ભરવા માંગણી કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી કડી તાલુકાના નંદાસણ ગામ અને હાઈવે વિસ્તારમાં દારૂના વેચાણની પ્રવૃતિઓ ચિંતાજનક વધારો થયો છે. જેના કારણે ગામમાં શાંતી ડહોળાય તેવી શંકા વ્યક્ત કરીને જમીયતે ઉલમાએ હિંદના પ્રમુખ મમદ ઉસ્તાદ કુરેશી, રફીકભાઈ પઠાણ, કડી તાલુકા ક્ષત્રિય-ઠાકોર સેનાના ઉપપ્રમુખ શકાજી ઠાકોર, જાવીદભાઈ સૈયદ, આસીફભાઈ સૈયદ, મૌલાના ઈમરાન સહિતના પ્રતિનિધિ મંડળે નંદાસણ પોલીસ મથકના પીઆઈની મુલાકાત લીધી હતી અને આવેદનપત્ર આપી નંદાસણમાં દારૂની બદીઓ દૂર કરવા માંગ કરી હતી. આ પત્રમાં તેમણે ગામમાં કેટલાક તત્વો દારૂ પીને ખેડૂતો અને સ્થાનિક નાગરીકો સાથે ઉશ્કેરણીજનક વ્યવહાર કરે છે જેનાથી શાંતી જોખમાય તેમ છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે તેઓને આ સંદર્ભે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.