Ahmedabad

માતા મહેબૂબબીબીની મહેનત થકી દીકરી ગઝાલા સી.એ. બનવાની દિશામાં અગ્રેસર

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧
નીંદ રાતો કી ઉડા દેતે હૈ
હમ સીતારો કો દુઆ દેતે હૈ
હાય વો લોગ જીન્હેં દેખા ન કભી
યાદ આયે તો રૂલા દેતે હૈ
અમદાવાદના ખાનપુરમાં કલ્યાણીવાડમાં રહી એક માત્ર દીકરી ગઝાલાને ભણાવી કંઈક બનાવાનું સપનું સેવતા મહેબૂબબીબી મોહમ્મદ યુનુસ અન્સારીને ભલે તમે મળ્યા નથી જોયા નથી. પણ ર૦૦રના રમખાણોમાં નરોડા-પાટિયામાં એમણે નરાધમોના હિચકારા હુમલા અને અમાનવીય કૃત્યમાં પોતાના પતિ સહિત પરિવારના ૬ સભ્યો અને જીવનભરની પૂંજી ગુમાવી દીધી. રહ્યું માત્ર ઝખ્મ અને ઝખ્મોનું દર્દ, જે ૧૬ વર્ષ પછી અનરાધાર આંસુઓ સિવાય કઈ આપી શકતા નથી. તેમની દાસ્તાન કઠોર હૃદયના પથ્થર દિલ માનવીને રહ્યા હચમચાવી દે તેવી છે. જયારે આજે પણ મહેબૂબબીબી સંપૂર્ણ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે.
અમદાવાદમાં થયેલા ૧૯૬૯ના કોમી રમખાણોમાં મહેબૂબબીબીના પિતા ઈબ્રાહીમભાઈ શેખે મેઘાણીનગરમાં પોતાની જીવનભરની પૂંજી ગુમાવી હતી અને પહેરેલા કપડે ઘર છોડી ભાગવું પડયું ત્યારબાદ તેઓ વર્ષો પછી ફરી એકવાર બેઠા થયા અને નરોડા પાટિયા વિસ્તારમાં મકાન ખરીધ્યું જયાં તેઓ શાંતિથી જીવન પસાર કરતા હતા. લગ્ન બાદ મહેબૂબબીબી પણ પતિ મોહમ્મદ યુનુસ અન્સારી સાથે ત્યાં વસ્યા તેમના પતિ ચિલોડા વિસ્તારમાં ભાગીદારીમાં ગેરેજ ચલાવતા હતા. ર૦૦રની ર૮મી ફેબ્રુઆરીએ જયારે નરોડા પાટિયામાં માનવતાને નેવે મૂકી હેવાનિયત રોડ પર ઉતરી આવી, ત્યારે એક લગ્નપ્રસંગ હોવાથી મહેબૂબબીબી તેમની સાડા ત્રણ વર્ષીય દીકરીને લઈ દાણીલીમડા આવેલ હતાં. નરોડા પાટિયાના એ હિચકારા હુમલામાં મહેબૂબબીબીના પતિ સહિત તેમના પરિવારના છ સભ્યો અને તેમની આસપાસ રહેતા કુલ પ૬ જેટલા લોકોને નરાધમોએ મોતને ઘાટ ઉતારી દીધા તથા તેમની માલ-મિલકત લૂંટી ઘરને પણ સળગાવી ખાખ કરી, જમીન દોસ્ત કરી દીધું હતું. આ વાતની જાણ પણ મહેબૂબબીબીને ત્રણ દિવસ પછી કરવામાં આવી. મહેબૂબબીબીની રડતી આંખોએ બોલાયેલા શબ્દોમાં કહીએ તો ‘મુજે તો યકીન ભી નહીં હોતા થા કી ઐસા ભી હો શકતા હૈ’ પછી ધીરે-ધીરે સ્વીકાર્યું ત્યાંથી તેઓ શાહેઆલમ કેમ્પમાં આવ્યાં અને જીવનની એક માત્ર સહારા સમી દીકરીની ખાતીર મરવાના વાકે જીવતા રહ્યા. તેમને વટવા ખાતે રીલીફ કમિટી દ્વારા મકાન ફાળવાયું. સિવણનું કામ કરી તેઓ દીકરીની સાથે દુઃખભર્યું જીવન જીવવા લાગ્યાં. પણ જયારે ફેબ્રુ. મહિનો આવે કે બકરા ઈદ (ર૦૦રના ફેબ્રુ.મહિનામાં ઈદ-ઉલ-અઝહાનો પર્વ હતો) આવે તો ઝખ્મો ફરી નવા અને તાજા થઈ જાય, જેમ તેમ કરી તે દિવસોને ભૂલવામાં વર્ષ પસાર થાય અને ફરી ફેબ્રુઆરી મહિનો આવે ને ઝખ્મો તો તાજાને તાજા અને આંસુઓ તો રોકાવાનું નામ જ ન લે. રાતોની રાતો જ નહી જાણે કે આંખુ જીવન જ કાળુ અને ઉજાગરા ભર્યું. વર્ષો જાય દીકરી મોટી થતી જાય. માએ દીકરીને કહ્યું કે તું તારી રીતે ખુશ રહે તેવું જીવન જીવ, ભણવું હોય તો ભણ નહીંતર તારી મરજી; હું માત્ર તારી ખાતર જીવું છું. દીકરી ભણવામાં હોશિયાર આગળ ભણવા લાગી અંગ્રેજી માધ્યમમાં. મહેબૂબબીબી મહેનત કરતા ગયા. ભાઈઓ અને પરિવારજનોની મદદ અને સહારો મળ્યો. તેમની દીકરીએ ૧૦ અને ૧રમા સારા ગુણ મેળવી એક તરફ બી-કોમ કરવાનું વિચાર્યું બીજી તરફ ઈન્ટર સીએનો અભ્યાસ શરૂ કર્યો. ર૦૦રમાં સાડા ત્રણ વર્ષની દીકરીએ પણ મોટા થતા નરોડા પાટિયાનું સત્ય જાણ્યું એ નરસંહારને યાદ કરી મા-દીકરીની આંખો ભરાઈ જાય છે અને તેમને સાંભળનારની પણ પતિને ગુમાવ્યા બાદ જીવનમાં કઈ જ નથી બચ્યું તેવું જેમને સતત લાગ્યા કરતું હતું. તેવા મહેબૂબબીબીએ દીકરી માટે હિમ્મત કરી આંસુઓ પર કાબુ રાખી દીકરીને હિમ્મત આપી જેના થકી દીકરી આજે સીએ, આઈપીએસ, આઈએએસ, બનવાની દિશામાં અગ્રેસર થવા જઈ રહી છે. આમ મા-દીકરીના આ સંઘર્ષને લખતાં શબ્દો પણ જાણે ગમગીન બની આંસુ સારી રહ્યા છે. દીકરી આગળ ભણી ઉત્તમ કારકીર્દી ઘડવા તત્પર છે જયારે ‘મા’ની આંખો તો આંસુમાં ડૂબેલી છે અને રાહ જોઈ રહી છે ‘સંપૂર્ણ ન્યાયની’