રાજ્યમાં ખોટી રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ માટે આવી રહ્યો છે કડક કાયદો !
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
રાજ્યમાં લેન્ડ ગ્રેબીંગ એટલે કે ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવાની વૃત્તિ તથા પાવર ઓફ એટર્નીના દુરૂપયોગ થકી થતા દસ્તાવેજો વગેરે સામે કડક હાથે કામ લેવા રાજ્ય સરકાર કમર કસી રહી છે. હવે રાજ્યમાં ભૂમાફિયાઓ ખોટી રીતે કોઈની જમીન હડપ ના કરી શકે તે માટે મૂળ કાયદામાં સુધારા કરવા ગુજરાત સરકારી વિધાનસભાના આગામી સત્રમાં સુધારા વિધેયક રજૂ કરનાર છે આજે કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો.
મુખ્યમંત્રીએ આ માટે દસ્તાવેજ નોંધણી કામગીરી ચોકસાઇપૂર્ણ, પારદર્શી અને ભુલચૂક વગરની સરળ બનાવવા ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ની કેટલીક જોગવાઇઓમાં સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક ૭/૨૦૨૦ જે વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચાને અંતે મંજૂર કરી કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે.
મિલકત ધારક ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોના હિતોના રક્ષણની પ્રતિબદ્ધતા સાથે આવા નિર્દોષ નાગરિકોની મિલ્કત હડપ કરી જનારા તત્ત્વો સામે લાલ આંખ કરી આ વિધેયકમાં મહત્વપૂર્ણ જોગવાઇઓ સૂચવેલી છે.
જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી સામાન્ય નાગરિકોની, ખેડૂતોની કે રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલિકી હક ન હોય છતાં ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપીપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.
આ બધી જ પ્રવૃત્તિઓને ડામી દેવા તેમજ મિલ્કતના કાયદેસરના અને સાચા માલિકના હિત જાળવવા હવે આવી મિલ્કતોના દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શી અને ટેકનોલોજીયુકત ઓનલાઇન બનાવાશે.
છેતરપિંડીથી કે પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી ભૂમાફિયાઓ જમીન પચાવી પાડતા હતા તેના પર સકંજો કસવા આ વિધેયકમાં એવી જોગવાઇ પણ કરી છે કે, દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરનારી વ્યકિતએ તે પોતે મિલકતના માલિક હોવાના પૂરાવા-સાબિતી આપવા પડશે.
સાચા માલિકની સાબિતી દસ્તાવેજ નોંધણી તંત્રને મળી રહે અને ખોટા વ્યકિત, ભળતા નામે દસ્તાવેજ નોંધાવી ના શકે તેવી જડબેસલાક વ્યવસ્થાઓ આ સુધારા વિધેયકમાં આમેજ કરવામાં આવી છે.
તદઅનુસાર, ખેતીની જમીન માટે ૭/૧ર અને સિટી સર્વેની જમીન માટે પ્રોપર્ટી કાર્ડ જેવા આધાર દસ્તાવેજ કરનારે આપવાના રહેશે.
મુખ્યમંત્રીએ પ્રવર્તમાન ભારતીય રજીસ્ટ્રેશન એકટ ૧૯૦૮માં નવી ત્રણ કલમો દાખલ કરીને શિક્ષા કે દંડની જોગવાઇઓ પણ વધુ વ્યાપક બનાવી છે.
એટલે કે, ઇલેકટ્રોનિક સાધનોથી રજીસ્ટ્રેશન કરવામાં દાબ-દબાણ કે છેતરપિંડી કરનાર વ્યકિતને, પાવર ઓફ એટર્નીઓ દુરૂપયોગ કરનારાને તેમજ આવી ખોટી માહિતી આપી દસ્તાવેજ કરાવી લેનાર વ્યકિતને ૭ વર્ષની કેદની સજા તેમજ મિલ્કતની બજાર કિંમત જેટલી રકમના દંડની અથવા બેયની સજાની જોગવાઇ આ સુધારા વિધેયકમાં કરવામાં આવી છે.