(એજન્સી) મુંબઈ, તા.ર૧
૧૯૯૩ના મુંબઈ બોમ્બ ધડાકાના ગુનેગાર અબુ સાલેમની પેરોલ માટેની અરજી નવી મુંબઈના પોલીસ કમિશનરે ફગાવી દીધી હતી. સાલેમ ર૭ વર્ષની મુબ્રાની મહિલા સાથે નિકાહ કરવા ઈચ્છતો હતો. તે માટે તેણે ૪પ દિવસના પેરોલની માગણી કરી હતી. રિપોર્ટ મુજબ સાલેમના નિકાહની તારીખ પ મે નિર્ધારિત કરાઈ હતી. સાલેમે અગાઉ દાવો કર્યો હતો કે તેણે ફોન પર મહિલા સાથે લગ્ન કરી લીધા હતા જ્યારે તે કોર્ટમાં સુનાવણી માટે ટ્રેનમાં સફર કરતો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે સાલેમ સાથે તેના લગ્ન અંગે મીડિયા દ્વારા થઈ રહેલી બદનામીનો અંત આવશે. સાલેમ સાથે લગ્નના અહેવાલો બાદ તેણી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી તેથી સાલેમ સાથે નિકાહ સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેણીએ સાલેમ સાથે નિકાહ ન થાય તો આત્મહત્યાની ધમકી આપી હોવાના મીડિયાના અહેવાલ વચ્ચે સાલેમે કોર્ટમાં અરજી કરી હતી. અગાઉ પણ સાલેમે લગ્ન માટે વારંવાર કોર્ટમાં અરજી કરી છે. સાલેમને ૧૯૯૩ના બોમ્બ ધડાકા કેસમાં સજા થઈ છે.