Ahmedabad

મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત : સરકારી પડતર જમીન હવે ખેતી માટે આપશે

કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની જમીન લીઝ પર લઈ ઔષધિય અને બાગાયતી ખેતી કરી શકાશે

ભાડા-પટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ ભાડું નહીં લેવાય, ત્યારબાદ તબક્કાવાર ભાડું વસૂલ કરાશે

૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી આ પડતર જમીન પર પ્રતિ એકર પ્રતિ વર્ષે રૂા.૧૦૦થી ૫૦૦ ભાડું લેવાશે

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૧૯
રાજ્ય સરકારે રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને ૩૦ વર્ષના લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો પ્રયાસ કરાશે. આ માટે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. જે અંતગર્ત બાગાયતી અને ઔષધિય પાકના ઉત્પાદનના વેલ્યુએડીશનથી નિકાસનું પ્રમાણ વધારી રોજગારીના નવા અવસરો સર્જવામાં આવશે.
મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામા અમલ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સર્વે નંબરની અંદાજે ૨૦ હજાર હેકટર જમીન ફક્ત આવા પાક વાવેતર માટે જ ૩૦ વર્ષની લીઝ-ભાડા પટ્ટે ફાળવવામાં આવશે. પરિણામે ફળ-ફૂલ, શાકભાજી, મસાલા તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળશે.
(૧) સરકાર દ્વારા જમીનની પસંદગી પ્રક્રિયા કઈ રીતે હાથ ધરાશે ?
• ખેડી ન શકાય તેવી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનો આ યોજના અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યકિતઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ફાળવી શકાશે.
• આ માટે પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ ૧૨૫ એકરથી ૧૦૦૦ એકર (૫૦ હેકટરથી ૪૦૦ હેકટર સુધી) સુધી રહેશે. સમગ્ર રાજ્યમાં આવી અંદાજીત પ૦ હજાર એકર જમીનોની ૩૦ વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે.
• પ્રથમ તબક્કામાં જે પાંચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જિલ્લાના કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિ જિલ્લાઓમાં ઉપલબ્ધ બિન ઉપજાઉ સરકારી પડતર જમીન પૈકી ફાળવવાપાત્ર જમીનના બ્લોક- સર્વે નંબરોની ઓળખ કરી જીલ્લા કક્ષાએ પસંદગી યાદી તૈયાર કરશે.
• આ પસંદગી યાદીના આધારે મહેસુલ વિભાગના પરામર્શમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જમીનની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર કરશે.
(૨) જમીન ભાડાપટ્ટે મેળવવા અરજદારે શું ધ્યાનમાં રાખવું ?
• યાદીમાં અગાઉથી નકકી કરાયેલા વિસ્તારો / સર્વે નંબરની જમીનો પૈકી જે જમીનમાં બાગાયતી કે ઔષધિય પાકોની ખેતી કરવા માંગતા હોય તે જમીન ભાડાપટ્ટે મેળવવા અરજદારે પોતાના જમીન વપરાશના આયોજન સાથે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે.
• અરજદાર તરફથી ઓનલાઇન મળતી દરખાસ્તની રાજ્યકક્ષાની ટેકનીકલ સમિતિ તાંત્રિક ચકાસણી કરશે અને રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી)ને ભલામણ માટે મોકલશે.
• મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રચાનારી રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી) દરખાસ્ત ચકાસી જમીન ભાડાપટ્ટે આપવા ભલામણ કરશે.
• આવી ભાડાપટ્ટે અપાનારી જમીનની લીઝની મુદ્દત મહત્તમ ૩૦ વર્ષની રહેશે. આમ છતાં લીઝ ધારક અને સરકારની પરસ્પર સંમતિથી, સરકાર લીઝ પૂર્ણ થયે વધુ મુદત માટે ભાડાપટ્ટો લંબાવવા વિચારણા કરી શકાશે.
• લીઝધારક લીઝની મુદત પૂર્ણ થતા પહેલા જમીન પરત આપવા માંગતા હોય તો, જમીન સરકારને પરત આપી શકશે.
• લીઝની મુદ્દત પૂર્ણ થતા પહેલા જમીન પરત કરવાના કોઇ પણ કિસ્સામાં સરકાર પાસે કોઇ વળતરની માંગણી કરી શકાશે નહી અને કોઇ વળતર મળવાપાત્ર રહેશે નહી.
(૩) જમીન લીઝ પર મેળવવા કેટલી ડિપોઝીટ અને ભાડું રહેશે ?
• લીઝ માટેની જમીનની સિક્યોરીટી ડિપોઝીટ અને વાર્ષિક લીઝ રેટ નજીવા દરે રાખવામાં આવ્યા છે તેમાં લીઝની જમીન માટે પ્રથમ ૫ વર્ષ કોઇ બેઝીક ભાડુ લેવામાં આવશે નહી.
• ૬થી ૧૦ વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂા. ૧૦૦ • ૧૧થી ૨૦ વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂા. ૨૫૦ • ૨૧થી ૩૦ વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂા.૫૦૦ બેઝીક ભાડુ રહેશે.
• સિકયુરિટી ડિપોઝીટ તરીકે એકર દીઠ રૂા. ૨૫૦૦ જમીન ફાળવણી વખતે એક સાથે ભરવાની રહેશે. એટલું જ નહીં, પાંચ વર્ષમાં પ્રોજેક્ટમાં મંજુર થયા અનુસારનું ડેવલપમેન્ટ જમીન પર કરવાનુ રહેશે.
(૪) ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા શું સહાય કરાશે ?
• પ્રોજેક્ટમાં સૂક્ષ્મ સિંચાઇની આધુનિક ટેક્નોલોજી વાળી ટપક કે ફુવારા પધ્ધતિની પિયત વ્યવસ્થા માટે સરકાર તરફથી પ્રવર્તમાન ધારાધોરણો મુજબ (ય્ય્ઇઝ્રના નિયત દર મુજબ) મળવાપાત્ર ખર્ચના ૭૦% સુધી, ટોપ પ્રાયોરીટીમાં ફક્ત એકવાર સહાય મળશે.
• લીઝધારકને ટોપ પ્રાયોરીટીમાં કૃષિ વિષયક વિજ જોડાણ આપવામાં આવશે. આ માટે ખેતી વિષયક કનેકશન ગણીને દર તથા નિયમો લાગુ પડશે.
• કૃષિ વિષયક જોડાણની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેમ ન હોય તો તેના વિકલ્પ સ્વરૂપે લીઝધારકને સ્વ-વપરાશ માટે જરૂરિયાત મુજબની સોલાર પેનલ (મોટર અને પમ્પસેટ સિવાય) નાખવા માટે પ્રવર્તમાન દર મુજબ થયેલ ખર્ચના ૨૫ % સહાય ફક્ત એક વાર મળવાપાત્ર થશે. મોટા બ્લોક માટે આ સહાય પ્રોરેટા બેઝ પર મળવાપાત્ર થશે.
• પોતાના સ્વ-વપરાશ માટે જ સોલર પેનલ / વીંડ મીલ લગાવી શકાશે. જેમાં વધારાની વીજળી વેચી શકાશે નહી.
• લીઝ પરની જમીનના રૂપાંતરીત વેરામાંથી મૂક્તિ આપવામાં આવશે.
• બિન ખેડૂત લીઝધારકને ખેડૂતનો દરજજો મળશે નહી.
• જેને જમીનની ફાળવણી થયેલ હોય તે લીઝધારકે જ ઉપયોગ કરવાનો રહેશે. જમીન સબલીઝ કે અન્ય ઉપયોગ કરવા આપી શકાશે નહી.
(૫) પડતર જમીન મેળવવા કઈ-કઈ પ્રક્રિયા હાથ ધરાશે ?
• ભાડાપટ્ટે આપવામાં આવેલ જમીનમાં પેદા થતી પેદાશ માટેની આનુષાંગિક પ્રવૃત્તિના હેતુ માટે જમીન ડીમ્ડ એન.એ. થયેલી ગણાશે. પરંતુ બાંધકામ પ્લાન સક્ષમ સત્તાધિકારી પાસે મંજૂર કરાવી ઉપયોગ કરી શકશે અને તેની સંબંધિત કલેક્ટરને જાણ કરવાની રહેશે તેમજ આવી જમીનો આકારણીને (બિનખેતી આકાર અને અન્ય ઇતર વેરાઓ) પાત્ર રહેશે.
• લીઝની જમીન સુધી પહોંચવા માટે જરૂર પડ્યે સરકાર દ્વારા કાચો એપ્રોચ રોડ ખુલ્લો કરી આપવામાં આવશે. જે માટે જિલ્લા કક્ષાની સમિતિની ભલામણ મેળવી સક્ષમ સત્તાધિકારીની મંજૂરી માટે દરખાસ્ત કરવાની રહેશે.
• સાત સભ્યોની જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ સંબંધિત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાશે.
• આ સમિતિ જે તે જિલ્લા કક્ષાએ આવેલી “બિન ઉપજાઉ સરકારી પડતર” જમીન પૈકી બાગાયતી અને ઔષધીય પાકોની ખેતી માટે ઉપયોગમાં આવી શકે તેવી જમીનના બ્લોક/સર્વે નંબરની યાદી તૈયાર કરીને જે તે પસંદ થયેલ બ્લોક/સર્વે નંબરની જમીન દબાણ કે અન્ય ઉપયોગમાં ન હોય તેની ખાતરી કરી ફાળવણી માટે જાહેર કરવા મંજૂરી માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને યાદી મોકલશે.
• મળેલી અરજીઓની સ્ક્રુટીની કૃષિ સચિવની અધ્યક્ષતાની સાત સભ્યોની ટેક્નિકલ કમિટી કરશે.
• ત્યાર બાદ આ ટેક્નિકલ સમિતિની દરખાસ્ત અને ભલામણોના આધારે આવી જમીન લીઝ પર ફાળવવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાનારી ૯ સભ્યોની હાઇપાવર કમિટી કરશે. જેમાં નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ, મહેસૂલ મંત્રીઓ, કૃષિ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ તથા મહેસૂલ અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવો સભ્ય તરીકે અને કૃષિ સચિવ સભ્ય સચિવ તરીકે ફરજ બજાવશે.
• બાગાયતી તેમજ ઔષધિય પાકોના વાવેતર માટે લાંબાગાળાની લીઝ પર જમીન ફાળવવાની નીતિ અંતર્ગત બાગાયત નિયામક અમલીકરણ નોડલ અધિકારી રહેશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.