Ahmedabad

મુખ્યમંત્રી રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે કોલ્ડવોર જારી : કાર્યક્રમોમાં સૂચક ગેરહાજરી !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
ગુજરાતમાં નવી સરકાર રાજ્યની શાસનધુરા સારી રીતે સંભાળી પ્રજાના કામો કરવામાં લાગે તે પહેલાં તો તે આંતરિક રાજકીય લડાઈમાં અને અસંતોષની લપેટમાં વ્યસ્ત બની જવા પામી છે. એક પછી એક ઈશ્યુ તેને ઘેરી રહ્યા છે. ખાતા ફાળવણી મુદ્દે નારાજ થયેલ ડે.સી.એમ. નીતિન પટેલની માગણી સંતોષી લીધા બાદ દેખાડા ખાતર તો સરકારની કામગીરી રાબેતા મુજબ અને બધુ નોર્મલ દેખાઈ રહ્યું છે. પરંતુ અંદરખાને સરકારના ટોચના બે મુખ્ય એવા મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી વચ્ચે કોલ્ડવોર ચાલી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સરકાર બન્યા બાદથી હમણાં સુધીના કાર્યક્રમો પૈકી પાટીદારોની ગ્લોબલ સમીટ સિવાય એકપણમાં મુખ્યમંત્રીની સાથે ડે.સી.એમ. દેખાયા નથી. એટલું જ નહિ કાઈટ ફેસ્ટિવલ સહિતના પોસ્ટરોમાંથી પણ નીતિન પટેલના ફોટા ગાયબ થઈ ગયેલા જોવા મળતા હતા.
ગુજરાતના રાજકારણમાં નીતિન પટેલે ખૂલ્લેઆમ નારાજગી વ્યક્ત કર્યા બાદ ઉભું થયેલું તોફાન ઉપરથી ભલે શમી ગયું હોય તેમ લાગે, પરંતુ અંદરોઅંદર હજુય ભાજપ સરકારમાં કોલ્ડવોર ચાલી રહ્યું છે તેવી ચર્ચા જોર પકડી રહી છે. તેમાંય નીતિન પટેલ જે રીતે હાલ કેટલાક સરકારી કાર્યક્રમોમાં ગેરહાજર રહે છે તેને જોતા રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે પહેલા જેવું ન રહ્યું હોવાની પણ અટકળો પ્રવર્તી રહી છે. રવિવારે જ અમદાવાદમાં શરુ થયેલા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલના ઉદ્‌ઘાટનમાં નીતિન પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. એટલું જ નહીં, કાઈટ ફેસ્ટિવલના કેટલાક પોસ્ટર્સમાંથી પણ ડેપ્યુટી સીએમનો ફોટો ગાયબ થઈ જતાં પણ નવી જ ચર્ચા શરૂ થઈ છે. નીતિન પટેલ છેલ્લે મહાત્મા મંદિરમાં મળેલી પાટીદાર ગ્લોબલ સમિટમાં રૂપાણી સાથે હાજર રહ્યા હતા. જો કે, ત્યાર બાદ ફુડ રિસર્ચ લેબોરેરટરીના ઉદ્‌ઘાટનમાં પણ તેઓ નહોતા દેખાયા. કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતરામન અમદાવાદ એક કાર્યક્રમમાં આવ્યા ત્યારે ચોક્કસ નીતિન પટેલ અને વિજય રુપાણી એક જ મંચ પર જોવા મળ્યા હતા. જોકે, તેઓ એક મંચ પર હાજર હોય ત્યારે પણ તેમની બોડી લેંગ્વેજ કંઈક અલગ જ ઈશારો કરતી હોવાની વિગતો સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. ના. મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી દૂર કરાયા પછી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પટેલ વચ્ચે ખેંચા ખેંચ ચાલુ હોય તેવુ લાગી રહ્યું છે. આ કારણે ગુજરાતની ભાજપ સરકારના ટોચના બે નેતાઓ વચ્ચેના મતભેદો જાહેરમાં આવી જાય તેવી શક્યતા છે. ગત બુધવારે નવી સરકારની રચના પછી મળેલી બીજી કેબિનેટ મીટીંગમાં પણ રૂપાણી અને પટેલ જાહેરમાં બાખડી પડતા અનેક લોકોના ભવા ઊંચા થઈ ગયા હતા. અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ સેક્રેટરીઓની હાજરીમાં આ ઝઘડો થયો હોવાની વાત બહાર આવતા ચર્ચાનું બજાર ગરમ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “સરકારમાં જ્યારે બે પાવર સેન્ટર હોય તો તેની અસર કામકાજ પર પડે જ છે. અહીંની બ્યુરોક્રસી એક જ વ્યક્તિ પાસેથી આદેશ લેવા ટેવાયેલી છે. આ કારણે ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે તેવી શક્યતા છે.”

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.