ડીસા, તા.૭
રાજ્ય સરકાર દ્વારા વિચરતી જાતિના સમુદાયને વિવિધ ગામતળમાં પ્લોટ ફાળવવામાં આવી રહ્યા છે. જેમાં મુડેઠા ગામતળની જગ્યામાં પણ વિચરતી જાતિને પ્લોટ ફાળવણી કરવામાં આવી છે પણ મુડેઠા ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ બાબતે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આ પ્લોટ અન્યત્ર ફાળવવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી.
સરકાર દ્વારા મુડેઠા ગામે વિચરતી વિમુક્ત જાતિના બેઘર લોકો માટે પ્લોટની ફાળવણી માટે ગામતળ નિમ કરવામાં આવતા ગામલોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગામલોકોના જણાવ્યા મુજબ મુડેઠા, ગોગાપુરા, વડલાપુરા ગામની વસ્તી ૨૧ હજારની છે મોટા ભાગના લોકો ગામતળના અભાવે ખેતરોમાં વસવાટ કરે છે અગાઉ પણ ગામતળની જમીન સરકાર દ્વારા પાવર હાઉસ માટે ફાળવી દેવાઈ હતી. તેમજ જીઆઈડીસી માટે પણ ફાળવવામાં આવેલ જેથી જન સંખ્યા પ્રમાણે ગામતળની જગ્યા છે જ નહીં. તેથી તાજેતરમાં સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિને મુડેઠા ગામતળની જમીન ફાળવવા માટેના હુકમનો અમલના કરવા આવે તેવી ઉગ્ર માંગ સાથે મુડેઠા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ગુરૂવારે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સરકાર દ્વારા પ્લોટ ફાળવણી કરવામાં આવશે તો તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી આમરણ ઉપવાસ ઉપર ઉતરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.