Sports

મુશ્કેલ પરિસ્થિતિમાં હું કોહલી કરતાં વિલિયમ્સન પર વધારે વિશ્વાસ કરીશ

નવી દિલ્હી,તા.૧પ
વર્લ્ડ ક્રિકેટમાં વિરાટ કોહલી અને કેન વિલિયમ્સન બે એવા મોટા નામ છે જેનાથી વિશ્વ ક્રિકેટ પ્રભાવિત થાય છે. બંને ખેલાડી સારા બેટસમેન હોવાની સાથે સાથે પોતપોતાની ટીમોના કેપ્ટન પણ છે. ન્યુઝીલેન્ડના પૂર્વ બેટ્‌સમેન ગ્લેન ટર્નરને જ્યારે આ બંને ખેલાડીઓમાંથી કોઈ એકની પસંદગી માટે કહ્યું તો તેમણે વિલિયમ્સનની પસંદગી કરી. ટર્નરે કહ્યું કે જે પરિસ્થિતિઓમાં આ બંને રમીને મોટા થયા છે અને તે બંનેનું વ્યક્તિત્વ પણ અલગ છે. એવામાં જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવાની વાત હશે તો હું વિલિયમ્સનને કોહલી કરતા વધારે મહત્ત્વ આપીશ. આ સાથે જ તેમણે કહ્યું કે પણ કોહલી સારી બેટિંગ પિચ પર વિલિયમ્સન કરતા સારો સાબિત થશે કારણ કે એવા માહોલમાં હાવી થઈને રમવાની તેની સ્વાભાવિક ક્ષમતા છે. તેમણે ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં કહ્યું કે આ બંને પ્રતિભાશાળી બેટ્‌સમેનોનો સ્વભાવ તેમની રમવાની પરિસ્થિતિની દૃષ્ટિએ ડેવલપ થયો છે. તેમણે કહ્યું કે કોહલીને કારકિર્દી દરમ્યાન સીમ પિચો ઉપર જ્યાં બોલ લાંબા સમય સુધી સ્વીંગ થાય છે ત્યાં રમવાની તક ખૂબ ઓછી મળી. જ્યારે વિલિયમ્સન મોટાભાગે આવી પિચો પર ક્રિકેટ રમ્યો છે. એવી જ રીતે સ્પિન થતી પિચો ઉપર કોહલી સારૂં રમે છે. તેમણે કહ્યું હું બસ એટલું કહેવા માંગું છું કે જ્યારે બેટિંગ માટે પરિસ્થિતિ મુશ્કેલ હશે તો હું કોહલી કરતા વિલિયમ્સન પર વધારે ભરોસો કરીશ.