(એજન્સી) વોશિંગ્ટન, તા. ૧
વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી શ્રમિકોના કહેવાતા હિતના નામે ઇમિગ્રન્ટ શ્રમિકો માટેના એચ-વન બી વીઝાની સાથોસાથ અન્ય વીઝા પરના પ્રતિબંધોની પોતાની નીતિ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવી હોવાની જાહેરાત કરી હતી. ગુરૂવારે આ અંગેની જાહેરાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કોરોનાના કારણે લેબર માર્કેટ પર પ્રતિકૂળ અસર થઇ હતી અને અમેરિકી લોકોના આરોગ્યને પણ અસર થઇ હતી. એ સંજોગોમાં અમેરિકી યુવાનોને પૂરતું કામ મળી રહે એ જોવાની અમેરિકી સરકારની જવાબદારી હતી. નીતિને ૨૦૨૧ના માર્ચ સુધી લંબાવવામાં આવી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની રસી ઉપલબ્ધ થઇ છે એ સાચું પરંતુ લેબર માર્કેટ અને અમેરિકી લોકોના સામુદાયિક આરોગ્ય પરની કોરોનાની અસર હજુ પૂરેપૂરી લુપ્ત થઇ નથી એટલે વીઝા નીતિ લંબાવવાની ફરજ પડી હતી. ટ્રમ્પના આ નિર્ણયથી હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અને અમેરિકી ઉપરાંત ભારતીય કંપનીઓ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા નકારી કઢાતી નથી. ટ્રમ્પે ૨૦૨૦ના એપ્રિલની ૨૨મીએ અને ત્યારબાદ જૂનની ૨૨મીએ વિવિધ વીઝા પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. એ આદેશ ડિસેંબરની ૩૧મીએ આપોઆપ રદ થવાનો હતો. એ રદ થાય એ પહેલાં ટ્રમ્પે ૩૧મીએ જ આ નીતિ ૨૦૨૧ના માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરીને હજારો આઇટી પ્રોફેશનલ્સને આંચકો આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જે સંજોગોને લીધે વીઝા નીતિ બદલવી પડી હતી એ સંજોગો હજુ ઊભા છે, નષ્ટ થયા નથી. અમેરિકી યુવાનોને પૂરતું કામ મળી રહે અને તેમને આવી રહેલા વર્ષમાં કોઇ આર્થિક તકલીફો સહન ન કરવી પડે એવો આ નીતિ પાછળનો હેતુ હતો. એચ વન બી વિઝા ઇમિગ્રન્ટ કામગારો માટેનો વીઝા છે. એ અમેરિકી તેમજ અમેરિકા ખાતેની ભારતીય કંપનીઓને અન્ય દેશોમાંથી એક્સપર્ટ યુવાનોને પોતાને ત્યાં કામે રાખવાની સગવડ આપે છે. ખાસ કરીને ભારતીય અને ચીની આઇટી પ્રોફેશનલ્સ આ રીતે અમેરિકામાં કામ કરીને કમાવાની તક મેળવતા રહ્યા હતા.