(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૪
પ્રાંતિજ પંથકના ખેડૂતો ફુલેવરની ખેતી કરતાં હોય છે. અલબત્ત સઘન માવજત અને મોટો ખર્ચ કરવા છતાં ભાવ ના મળતા એક કિસાને લાલ ગુલાબની ખેતી કરી નવતર પ્રયોગ કર્યો ! જેને યોગ્ય આવક થતાં અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટે સલાહ આપી છે.
પ્રાંતિજ ખાતે ફુલેવર પકવતા ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષથી ફુલેવરના પૂરતાં ભાવો ના મળતા ખેડૂતોમાં હતાશાની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે ઘણાંખરાં ખેડૂતો કેળા, પપૈયા, બટાકા સહિતની ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ફાર્મમાં ખેતી કરતાં રાજેશ મગનભાઈ પટેલે નુક્સાની આપતી ફુલેવરની ખેતી ઘટાડી છે. ફુલેવરની ખેતીમાં ખર્ચ અને મહેનત બાદ પણ ભાવ ના મળતા તેઓએ પણ આ વર્ષે હાલ અડધો વિઘા જમીનમાં લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી પ્રાંતિજ ખાતે નવતર પ્રયોગ કર્યો છે. તેઓ લાલ ગુલાબની ખેતી તરફ વળ્યા છે. તેઓનુ કહેવું છે કે, દર વર્ષે બજારમાં ફુલોના ભાવ સારાં હોય છે . તો ગુલાબની ખેતી માટે કોઇ મોટો ખર્ચ પણ હોતો નથી અને આની કલમ ખાલી ૩૩ રૂપિયામા ભાડા સાથે પડે છે. અને ગુલાબની ખેતીમાં પાણી અને ખાતર સહિત અન્ય ખર્ચ પણ વધારે થતો નથી. ડ્રીપ ઇરીગેશન દ્વારા ખેતી કરવામાં આવે તો પાણીની પણ બચત થાય છે. જો કે, હાલ કોરોનાને લઈને મંદિરોમાં પ્રવેશબંધી તથા લગ્ન સીઝનના હોવાથી થોડો ભાવમાં માર પડયો છે. તેમ છતાં ચાલુ દિવસોમાં ? ૨૦૦થી ૩૦૦નો ભાવ મળી રહે છે. જેથી રાજેશભાઈ પટેલ દ્વારા અન્ય ખેડૂતોને પણલાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટેની સલાહ આપી રહ્યા છે.