National

મોદીથી ભયભીત થયેલા બિલાડી, કૂતરાં, સાપ અને નોળિયા સંગઠિત થઈ ગયા : અમિત શાહનો વિરોધ પક્ષો પર પ્રહાર

(એજન્સી) તા.૬
ભાજપના સ્થાપના દિવસે મુંબઈમાં આયોજિત રેલીમાં વિપક્ષોની એકતા પર પ્રહાર કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભયને કારણે બિલાડી, કૂતરા, સાપ અને નોળિયા સંગઠિત થઈ ગયા છે. તેમની આ ટિપ્પણી ભાજપને હરાવવા માટે સંગઠિત થવાની યોજના બનાવતા કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો માટે કટાક્ષ હતી. અમિત શાહે કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ નથી, ભાજપનો સુવર્ણ યુગ ત્યારે આવશે જ્યારે પાર્ટી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં સરકાર રચશે. બજેટ સત્ર દરમ્યાન સંસદમાં કાર્ય ન થવા બદલ તેમણે વિપક્ષ પર આક્ષેપ લગાવ્યો હતો. તેમના ભાષણ દરમ્યાન તેમણે આ વાત પર ભાર મૂક્યો કે સમાજના બધા વર્ગો માટે મોદી સરકારે ઘણું કર્યું છે અને ભાજપ ર૦૧૯ની લોકસભા ચૂંટણી ઠાલા વચનોના આધારે જીતવાને બદલે તેણે જે કાર્ય કર્યું છે તેના આધારે જીતવા માંગે છે. ભાજપના ૩૮માં સ્થાપના દિવસ નિમિત્તે શાહે કહ્યું રાહુલ ગાંધી અને અન્ય લોકો કહે છે કે અમે એસ.સી.એસટી. માટેની અનામત નાબૂદ કરી દઈશું. અમે અનામતને કોઈ પણ પ્રકારે નાબૂદ નહીં કરીએ તેમણે કહ્યું કે રાહુલ અને પવાર (એન.સી.પી. પ્રમુખ) સાંભળી લે. ભાજપ કોઈ દિવસ અનામત રદ નહીં કરે અને જો તમે અનામત રદ કરવા ઈચ્છશો, ભાજપ તેની પરવાનગી ક્યારેય નહીં આપે. આમ શાહે અનામત પર ભાજપનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો.
યુપીમાં પછાત દલિત અને મુસ્લિમો સાથે આવવાથી સંઘ અને ભાજપ ચિંતિત, રણનીતિ બનાવવા અમિત શાહ લખનૌ જશે
૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં ભારત બંધના નામ પર દલિત સમાજનું એકજૂટ થવું અને સપા-બસપાનો એક સાથે ૧૪ એપ્રિલના રોજ બાબાસાહેબ આંબડેકર જયંતિને મોટા પ્રમાણમાં ઉજવવાના એલાને ભાજપ અને સંઘના માથા પર પરસેવો લાવી દીધો છે. આને લઈ સંઘે આગ્રામાં બૃજ પ્રાંત સમન્વય સમિતિની બેઠકમાં ભાજપથી આગ્રહ કર્યો કે, દલિત અને પછાત વર્ગને જોડવો પડશે. ૨૦૧૯માં સપા-બસપા ગઠબંધનની વિરૂદ્ધ સંઘ અને ભાજપે સાથે મળીને નીચલા સ્તર પર રણનીતિ તૈયાર કરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૦ એપ્રિલના રોજ લખનૌ જઈ રહ્યા છે. ગોરખપુર-ફુલપુર પેટા ચૂંટણી બાદ શાહ પહેલી વખત યુપી આવી રહ્યા છે. શાહ પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને પેટા ચૂંટણીની હારની સમીક્ષા અને ૨૦૧૯ની રણનીતિ પર ચર્ચા કરશે. આ ઉપરાંત યોગી સરકારના કેબિનેટમાં ફેરબદલની પણ સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે, દલિત અને પછાત સમાજના કેટલાંક મંત્રીઓના હોદ્દામાં વધારો થઈ શકે છે. યુપીમાં દલિત અને પછાત વર્ગની મોટી વોટ બેંક છે. આ બંને સમાજ રાજ્યમાં કિંગમેકર માનવામાં આવે છે. ભાજપે આ મતોના સહારે ૨૦૧૪ અને ૨૦૧૭માં ઐતિહાસિક જીત મેળવી હતી.