(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
પંજાબના એક ખેડૂતે એમના જેવા હજારો ખેડૂતોની સાથે મહિનાઓથી વિરોધ પ્રદર્શનો કરવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૃદ્ધ માતા હીરાબેન મોદીને એક ભાવુક પત્ર લખ્યો છે જેમાં વિનંતી કરી છે કે તેઓ પોતાના પુત્રને ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવા માટે કહે જેના લીધે એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. એમણે પત્રમાં આશા દર્શાવી છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું મન બદલવા માટે પોતાની બધી તાકાતનો ઉપયોગ એક માતાના રૂપમાં કરશે. પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગામ ગોલુકા મોઢના નિવાસી હરપ્રીત સિંહે હિન્દીમાં પત્ર લખ્યો છે. એમણે લગભગ ૧૦૦ વર્ષીય હીરાબેનને અપીલ કરતા કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પણ રજૂ કર્યા છે જેના માટે તેઓ વિરોધ કરી રહ્યા છે. એમણે હવામાનની સ્થિતિ જે હેઠળ ખેડૂતો વિરોધો કરી રહ્યા છે, કાયદાઓ રદ્દ કરવા માટે લોકોની માંગણી, દેશમાં ભૂખ મટાડવા માટે ખેડૂતોનું યોગદાન અને દેશની સીમાઓને સુરક્ષિત રાખવામાં એમના યોગદાનની ચર્ચા કરી છે.
સિંહે લખ્યું છે કે હું ખૂબ જ ભારે મનથી પત્ર લખી રહ્યો છું. જેમકે તમને ખબર હશે કે ખેડુતો તીવ્ર ઠંડીમાં દિલ્હીની સડકો ઉપર રહી રહ્યા છે જેમાં મહિલાઓ, બાળકો અને ૯૦-૯૫ વર્ષના વૃદ્ધો પણ છે. લોકો બીમાર થઇ રહ્યા છે અને શહીદ થઇ રહ્યા છે જે અમારા માટે ચિંતાનો વિષય છે.
એમણે લખ્યું છે કે આંદોલન ત્રણ કાળા કાયદાઓના લીધે થઇ રહ્યું છે જે અદાણી, અંબાણી અને અન્ય કોર્પોરેટ કુટુંબોના લાભ માટે ઘડાયા છે. એમણે લખ્યું છે કે મેં આ પત્ર ઘણી આશાઓથી લખ્યો છે તમારો પુત્ર વડાપ્રધાન છે તેઓ પોતાના દ્વારા પસાર કરાયેલ કૃષિ કાયદાઓ રદ્દ કરી શકે છે. મને થયું કે કોઈ વ્યક્તિ પોતાની માતા સિવાય બધાને ના પડી શકે છે. સમગ્ર દેશ તમારો આભાર માનશે. ફક્ત એક માતા જ પોતાના પુત્રને આદેશ આપી શકે છે.