નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોના આંદોલન દરમિયાન ૫૭ કિસાનોના મોત મુદ્દે કેન્દ્રની ભાજપ શાસિત સરકાર પર આક્રોશ વ્યક્ત કરતાં પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ સુનિલ જાખડે જણાવ્યું હતું કે, મોદી સરકારના હાથ ખૂનથી રંગાયેલા છે. ચંદીગઢમાં પંજાબ કોંગ્રેસના કાર્યકરો સાથે શહીદ સ્થળ સુધીની રેલી દરમિયાન જાખડે કહ્યું કે, મોદી સરકારના હાથ ખૂનથી રંગાયેલા છે. રેલીમાં સામેલ કાર્યકરોએ ખેડૂતોના મોત પર ધ્યાન નહીં આપવા બદલ ૫૭ કિસાનોના મોત દર્શાવવા માટે પ્રદર્શન સ્થળે ૫૭ બૂઝાયેલી ફાનસ મુકી હતી. પંજાબ કોંગ્રેસના પ્રમુખે બૂઝાયેલી ફાનુસો અંગે જણાવ્યું હતું કે, ૫૭ ખેડૂતોના મોત મામલે મોદી સરકારને ઘેરી ઊંઘમાંથી જગાડવા માટે અને તાત્કાલિક ત્રણેય કૃષિ કાયદાઓ નાબૂદ કરવા માટેની માગને દર્શાવવા મુકાઇ છે. જાખડે વધુમાં કહ્યું કે, ખેડૂતોનું બલિદાન એળે નહીં જાય. તેઓ શહીદ છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ દેશ માટેની લડાઇમાં અગ્રતા દર્શાવી છે. કિસાનો પ્રત્યેની કેન્દ્ર સરકારની અસંવેદનશીલતા વધારે સમય નહીં ચાલે. તેમણે કહ્યું કે, હાડ થીજવતી ઠંડીમાં ખેડૂતોને હેરાન કરવાનું છેલ્લા ૧૦૦ દિવસ ઉપરાંતથી ચાલી રહ્યું છે અને તેઓ ખુલ્લા આકાશ નીચે સતત આંદોલન કરી રહ્યા છે. જો સરકારનો ઇરાદો પવિત્ર હોય તો કિસાન પ્રતિનિધિઓ સાથેની તેમની કેટલાક તબક્કાની મંત્રણાઓ આ રીત નિષ્ફળ ના જાય. તેમણે દેશ માટે કુરબાન થયેલા બહાદૂર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.