(એજન્સી) તા.૨૩
સંયુક્ત રાષ્ટ્રસંઘના ખાસ દૂત અને માનવ અધિકાર સંરક્ષક મેરી લોલોરે જાન્યુ.૨૦૧૮ના ભીમા-કોરેગાંવ કેસના સંદર્ભમાં ધરપકડ કારયેલ ૮૩ વર્ષના આદિવાસી કર્મશીલ ફાધર સ્ટેનસ્વામી અને અન્ય ૧૫ કર્મશીલોને આધુનિક યુગના નાયક એટલે કે ‘મોર્ડન ડે હીરોઝ’ ગણાવીને તેમણે ભારત સરકારને અપીલ કરી છે કે આ કર્મશીલોને તાત્કાલિક છોડી મૂકવામાં આવે. મેરી લોલોરે જણાવ્યું છે કે તેઓ જેલમાં હોવા જોઇએ નહીં અને તેઓ આધુનિક યુગના નાયક એટલે કે મોર્ડન ડે હીરોઝ છે. ગઇ કાલે રાત્રે હ્યુમન રાઇટ્સ કોમ્પેડિયમ સિરીઝ લોંચ કરવા ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઇએએમસી) દ્વારા આયોજિત એક વેબિનારમાં બોલતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. આ અંગેના પ્રથમ રિપોર્ટનું મથાળુ ‘હ્યુમન રાઇટ્સ ઇન ઇન્ડિયા : સ્ટેટસ રિપોર્ટ ૨૦૨૧-ક્રશિંગ ડીસેન્ટ’ હતું. આઇએએમસીએ બહુલતાવાદ, આંતરધર્મિય સમજૂતી સંવર્ધન અને પાયાના મૂલ્યો સાથે ગઠબંધનનું નિર્માણ કરતું અમેરિકા સ્થિત એક સંગઠન છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે માનવ અધિકારના સંરક્ષકો (એચઆરડી)ને નિશાન બનાવવા માટે ભારતીય સંસ્થાઓ યુએપીએનો દુરુપયોગ કરી રહી છે. માનવ અધિકારોનું રક્ષણ કરવું એ આતંકવાદ નથી એવી વાત દોહરાવીને તેમણે જણાવ્યું હતું કે આ સંદેશાનો જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરવાની જરુર છે. તેમણે પાર્કિન્સન્સની બીમારીથી પિડાતા ૮૩ વર્ષના આદિવાસી કર્મશીલ ફાધર સ્ટેનસ્વામી અને અન્ય ૧૫ને તાત્કાલિક છોડી મૂકવા માગણી કરી હતી. ભારતમાં એચઆરડી સામે અનેક સમસ્યાઓ છે એ વાતથી હું વાકેફ છું એવું જણાવીને તેમણે કહ્યું હતું કે તેમણે મે,૨૦૨૦માં આ કાર્યભાર સંભાળ્યાં બાદ એચઆરડીના સંદર્ભમાં ભારત સરકારને છ પત્રો લખ્યાં છે. મેરી લોલોરે વધુમાં જણાવ્યું હતું કે આ વાત ખરેખર નિરાશાજનક છે. માનવ અધિકારના જનાદેશ માટે માનવ અધિકાર સંરક્ષકોનું રક્ષણ કરવું એ મહત્વપૂર્ણ બાબત છે અને હું ભારત સરકારને આ દિશામાં કાર્યવાહી કરવા અનુરોધ કરું છું.