(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
વડોદરાના સરસિયા તળાવનું યુદ્ધના ધોરણે રીનોવેશન કરાવવા સામાજિક કાર્યકરો અને શ્રદ્ધાળુઓની માંગ છે અને આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર શહેરના યાકુતપુરા-વારસિયા વિસ્તારની હદમાં આવેલ સરસિયા તળાવ એ હિન્દુ-મુસ્લિમ બન્ને ધર્મના લોકો માટે વર્ષોથી આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન રહેલું છે. આ ઐતિહાસિક તળાવમાં વર્ષોથી બન્ને કોમના શ્રદ્ધાળુઓ વર્ષ દરમ્યાન તહેવારોમાં ધાર્મિક વિધિઓ અવાર-નવાર પૂરી કરતાં હોય છે. ગત ર૦૧૭ની આસપાસ આ તળાવના બ્યુટીફીકેશન માટે આ વિસ્તારના નાગરિકોના મકાનો-દુકાનો અને કારખાનાઓ સહિત મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ હતા. તે વખતે બન્ને કોમના લોકોએ આ તળાવના બ્યુટીફીકેશન માટે તંત્રને મદદરૂપ કામગીરી પણ કરી હતી પરંતુ આજદિન સુધી આ તળાવના રીનોવેશન માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. અમો દ્વારા તંત્રને અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરી છે. અને આ તળાવના બ્યુટીફીકેશન માટે ગ્રાન્ટ પણ મંજૂર થયેલ હોવાનું અમોને જાણવા મળેલ છે. તેમ છતાં ઘણા સમયથી આ તળાવનું બ્યુટીફીકેશન કેમ કરવામાં આવતું નથી તે એક રહસ્ય છે. હાલ આ તળાવની હાલત ખૂબ જ દયનીય છે. ચારેબાજુ ગંદકી તેમજ તળાવની દરેક પાળો તૂટેલ હાલતમાં નજરે પડે છે. ના કરે નારાયણ આ જગ્યામાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારબાદ જ તંત્ર જાગશે ? આ સવાલ સ્થાનિક નાગરિકોને સતાવી રહ્યો છે. આપ સાહેબથી અમારો અનુરોધ છે કે આપ આ સરાસિયા તળાવની રૂબરૂ મુલાકાત લઈ તેનો અભ્યાસ કરી આ ગંભીર પરિસ્થિતિને સમજી અને ધ્યાને લઈ બન્ને કોમના શ્રદ્ધાળુઓના હિતમાં યોગ્ય પગલાં લઈ આ તળાવનું વહેલી તકે રીનોવેશન કરવામાં આવે તેવી અમો વડોદરા શહેર યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહના ખાદીમ હાજી દસ્તગીર શેખ (ભોલુબાપુ), સામાજિક કાર્યકર સાદીક કાજલવાલા, મૌલાના ઈરફાન સાહબ, રાજેશભાઈ શલગાંવર, શેખ રફીકભાઈ તેમજ જીતુભાઈ બારોટ દ્વારા માંગ છે.