National

મ.પ્ર. સરકાર બચાવવાના કમલનાથના સંઘર્ષ વચ્ચે સિંધિયા ભાજપમાં સામેલ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
મધ્યપ્રદેશના ગુણામાંથી કોંગ્રેસના પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે વિધિવત ભાજપમાં સામેલ થઇ ગયા હતા જ્યારે મધ્યપ્રદેશમાં તેમની જુની પાર્ટી સત્તાથી દૂર જઇ રહી હોવાથી સંઘર્ષ કરી રહી છે. સિંધિયાના વફાદાર ધારાસભ્યોએ રાજીનામા આપતા મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર સંકટ આવી ગયું છે. જો રાજ્યપાલ એનપી પ્રજાપતિ આ રાજીનામા સ્વીકારી લે તો મુખ્યમંત્રી કમલનાથનું વિધાનસભામાં સંખ્યાબળ ભાજપ કરતા ઓછું થઇ જાય ત્યારે તેમણે વિધાનસભામાં બહુમતી પસાર કરવાનો વારો આવી શકે છે અને સરકાર ગુમાવવી પડી શકે છે. મૂળ કોંગ્રેસી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેઓ આ ૨૨ ધારાસભ્યોને નોટિસ પાઠવશે અને તેમના રાજીનામા અંગે વિચારણા કરવાનું કહેશે. કોંગ્રેસે તેમને કહ્યું છે કે, રાજીનામું આપનારા છ મંત્રીઓને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લે. ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં બપોરે ૩.૦૦ વાગે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. તેમને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપમાં સામેલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના બાકીના ધારાસભ્યોને જયપુર લઇ જવાયા છે જ્યારે ભાજપે પોતાના ધારાસભ્યો હરિયાણામાં શિફ્ટ કર્યા છે, બીજી તરફ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને કર્ણાટક લઇ જવાયા હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થતા જ તેમના કાકી અને રાજસ્થાનમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટિ્‌વટ કરી કહ્યું હતું કે, ‘‘એક જ ટીમમાં જોઇને સારૂં લાગે છે.’’ તેમણે કહ્યું કે, તેમના ગ્વાલિયરના રાજ પરિવારના માતા અને ભાજપના સહસ્થાપક વિજયા રાજે સિંધિયા એ જોઇને ખુશ થશે કે તેમના પૌત્રએ ‘‘પહેલા દેશ’’ની ભાવના દેખાડી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખેડૂતોની લોન અને ભ્રષ્ટાચારના મુદ્દે ધ્યાન ન આપતા તે એક પાર્ટી તરીકે વધુ ટકી શકશે નહીં. ૪૯ વર્ષિય જ્યોતિરાદિત્ય સિંધિયાના અલગ થવાથી મધ્યપ્રદેશમાં જો ભાજપ ફરી સત્તામાં આવી જાય તો કોંગ્રેસના સપના શરમજનક રીતે ચકનાચૂર થઇ જશે. ૨૦૧૮માં જ્યારે કોંગ્રેસ દેશમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે ત્રણ રાજ્યોની તેની જીતમાં મધ્યપ્રદેશનો પણ સમાવેશ થતો હતો અને તેમાં સિંધિયાનો મોટો ફાળો હતો. કોંગ્રેસના સંગઠનાત્મક બળવાને કારણે થોડા સમય પહેલા જ કર્ણાટકમાં જેડીએસ સાથેની સરકાર ગુમાવી અને ભાજપે સત્તા મેળવી હતી. આવી જ રીતે હવે મધ્યપ્રદેશમાં પણ પાર્ટીમાં બળવો સપાટી પર આવ્યો હતો. જોકે આ ઘટનાક્રમથી ભાજપના ટોચના સભ્યોની નારાજગી પણ સામે આવી છે. ભાજપના મધ્યપ્રદેશના સિનિયર નેતા સંજય ઝાએ જાહેરમાં ટિ્‌વટ કરી બળાપો કાઢ્યો હતો. અહેવાલો અનુસાર મધ્યપ્રદેશમાં સિંધિયાની કમલનાથ અને દિગ્વિજય દ્વારા અવગણના કરાતી હતી. ૨૦૧૮માં કમલનાથને પાર્ટી અધ્યક્ષ બનાવાયા અને બાદમાં મુખ્યમંત્રી બનાવાયા. જોકે દિગ્વિજયસિંહે કહ્યું કે, સિંધિયાની અવગણના કરવામાં આવતી હોવાની વાત ખોટી છે. કારણ કે ગ્વાલિયર અને ચંબલમાં તેમનો દબદબો હજુ પણ છે. એક મહિના પહેલા જ જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખેડૂતો અને બેરોજગારો માટે રાજ્યમાં માર્ગો પર ઉતરવાની ધમકી આપી ત્યારે મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે, તેઓ માર્ગો પર ઉતરવા માગે તો ઉતરી જાય. જ્યોતિરાદિત્ય સિંધિયાના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જોકે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમને સત્તા ભૂખ્યા ગણાવી કોેગ્રેસ માટે આશા વ્યક્ત કરી છે પરંતુ આ ઘટનાક્રમથી કોંગ્રેસની હાલત પહેલા કરતા વધુ નબળી થઇ ગઇ છે. બીજી તરફ હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇએ મંગળવારે કહ્યું હતું કે, સિંધિયાની જેમ બીજી કોંગ્રેસી નેતાઓ પણ અવગણના થઇ રહી હોવાનું અનુભવી રહ્યા છે.

સિંધિયાને મોદી-શાહ સુધી લઇ જનારા ઝફર ઇસ્લામ વિશે જાણો

મધ્યપ્રદેશમાં મચેલા રાજકીય ઘમસાણ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઇ ગયા છે. જોકે, તેમને ભાજપમાં સામેલ કરવા માટેની પટકથા ઘણા દિવસોથી ચાલી રહી હતી. હવે કોંગ્રેસના સિંધિયા રાજપરિવાર સાથેના સંબંધો પણ સમાપ્ત થઇ ગયા છે. સિંધિયાના પાર્ટી પરિવર્તનમાં ભાજપના ઝફર ઇસ્લામની મોટી ભૂમિકા રહી છે. તેમને સિંધિયાને ભાજપમાં લાવવાની જવાબદારી સોંપાઇ હતી. આનાથી તેમણે પોતાની પાર્ટીમાં ઉપયોગિતા સાબિત કરી છે. ઝફર ઇસ્લામ ભાજપના પ્રવક્તા તરીકે મીડિયામાં જાણીતા ચહેરા છે. તેમણે સિંધિયાને ખેંચવા માટે તમામ પ્રક્રિયાને સુગમ બનાવી હતી. રાજકારણમાં જંપલાવતા પહેલા તેઓ વિદેશી બેંકમાં કામ કરતા હતા. તેઓ વડાપ્રધાનના પ્રશંસક હોવાથી તેમને પ્રવક્તા બનાવાયા. ઝફર ઇસ્લામના સિંધિયા સાથે સારા સંબંધો છે. તેઓ અવાર નવાર મળતા હતા. તેથી સિંધિયાને ભાજપમાં લાવવાની જવાબદારી તેમને સોંપાઇ હતી. એવું માનવામાં આવે છે કે, વડાપ્રધાન મોદી સાથે સિંધિયાની મુલાકાત સમયે ઝફર ઇસ્લામ પણ ૭ લોક કલ્યાણ માર્ગમાં હાજર હતા.

કોંગ્રેસ ધારાસભ્યોએ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ‘ગેરમાર્ગે’ દોર્યા હોવાનું કહેતા મધ્યપ્રદેશના બળવા સંકટમાં નવો વળાંક

મધ્યપ્રદેશના રાજકીય સંકટમાં નવો વળાંક આવ્યો છે. બળવાખોર ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા ભાજપમાં સામેલ થવાના નિર્ણયથી નારાજ છે. સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર મંગળવારે મધ્યપ્રદેશ વિધાનસભામાંથી રાજીનામું આપનારા આઠથી નવ કોંગ્રેસના ધારાસભ્યો સિંધિયાથી નારાજ છે. અહેવાલમાં કહેવાયું છે કે, બળવાખોર ધારાસભ્યો રાજીનામું આપવા માગતા નથી અને ફરી ચૂંટણી લડવા માગતા હતા. બીજી તરફ મધ્યપ્રદેશના સિનિયર કોંગ્રેસ નેતા સજ્જનસિંહ વર્મા બેંગલુરૂમાં બળવાખોર ધારાસભ્યોને મળ્યા હતા અને કહ્યું કે, આમાંથી કોઇપણ સિંધિયા સાથે જવા માગતા ન હતા. વર્માએ જણાવ્યું કે, કોઇપણ સિંધિયા સાથે જવા માગતા નથી, તેઓને ગેરમાર્ગે દોરીને બેંગલુરૂ લઇ જવાયા હતા અને આમાંથી મોટાભાગના કહે છે કે તેઓ ભાજપમાં સામેલ થવા માગતા નથી. જો આ ધારાસભ્યો ફરી કોંગ્રેસમાં આવી જાય તો મહારાષ્ટ્રમાં જે રીતે અજીત પવાર એનસીપીમાં પરત આવી ગયા હતા તેમ થવાથી ભાજપને ફરીવાર લાલચોળ થવાનો વારો આવે.

હોળીના બીજા દિવસે સિંધિયાએ રંગ બદલ્યો; ભગવા પાર્ટી ભાજપમાં જોડાયા

દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ સાથેના ૧૮ વર્ષના સંબંધોનો અંત આણીને જ્યોતિરાદિત્ય સિંધિયા બુધવારે ભાજપમાં સામેલ થઇ ગયા હતા. નવી દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા તેમને પાર્ટીમાં સામેલ કરાયા હતા. બાદમાં પત્રકારોને તેમણે જણાવ્યું કે, પરિવારમાં બોલાવવા અને તેમાં સ્થાન આપવા માટે હું જેપી નડ્ડા, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનવા માગું છું. સિંધિયાએ એમ પણ કહ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ લોકોની સેવા કરી રહી નથી. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, રાજ્યમાં લોકોની સેવા કરવાનો ધ્યેય પૂરો થતો નથી. આ ઉપરાંત પાર્ટીની હાલની સ્થિતિ દર્શાવે છે કે, તે હવે કોઇ કામની નથી. સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મંગળવારે મુલાકાત બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ મુલાકાત બાદ જ સંકેત હતા કે હવે સિંધિયા કોઇપણ સમયે ભાજપમાં જોડાઇ શકે છે અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર તોડી પાડી ભાજપને સત્તામાં આવવામાં મદદરૂપ થઇ શકે છે. અહેવાલો અનુસાર સિંધિયાને ઘણા સમયથી અવગણનાનો સામનો કરવો પડી રહ્યો હતો અને રાજ્યસભા બેઠક માટે પણ આશ્વાસન અપાયું ન હતું જ્યારે તેમને કોંગ્રેસના અધ્યક્ષ પણ બનાવાયા ન હતા. અધ્યક્ષ હજુ પણ મુખ્યમંત્રી કમલનાથ જ હતા.

મધ્યપ્રદેશમાં રાજકીય કટોકટી : રાજ્યની સરકાર લાંબું નહીં ટકવાનો ભાજપનો દાવો, સત્તાધારી ગઠબંધનનો વળતો પ્રહાર

મધ્યપ્રદેશમાં કમલનાથની કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળો ઘેરાવાને પગલે હવે નજીકના રાજ્ય મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકારમાં પણ કટોકટીસર્જાવાના દાવાઓ વચ્ચે ગઠબંધન સરકારે કહ્યું છે કે, અમને મહા વિકાસ અઘાડી ગઠબંધન પર વિશ્વાસ છે. એનસીપીના પ્રવક્તા અને સરકારમાં લઘુમતી વિકાસ મંત્રી નવાબ મલિકે કહ્યું કે, ગઠબંધન ભાગીદારો વચ્ચે સકારાત્મક સંકલન છે. સરકાર યોગ્ય રીતે ચાલી રહી છે. સરકારને કોઇ જોખમ નથી. બીજી તરફ શિવસેનાએ મહારાષ્ટ્રમાં એમપીના પુનરાવર્તનને ફગાવી દીધું છે. સંજય રાઉતે જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં જે થયું તે મહારાષ્ટ્રમાં નહીં થાય. મધ્યપ્રદેશની કટોકટી કોંગ્રેસમાં આંતરિક બાબતોને યોગ્ય રીતે નહીં સંભાળવાને લીધે થઇ હોવાનું લાગે છે. જો કોઇ ઓપરેશન કમળનું સપનું જોઇ રહ્યું હોય તો અમે મહારાષ્ટ્રમાં તેમનું ઓપરેશન કરી દઇશું. મહારાષ્ટ્રમાં સરકાર રચાઇ ત્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે, કેટલાક મહિનામાં જ સરકાર પડી ભાંગશે. ભાજપના નેતા તથા પૂર્વ મંત્રી સુધિર મુંગંટીવારે બુધવારે કહ્યું કે, મધ્યપ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં પણ ગઠબંધન સરકાર પડી જશે. મુંગંટીવારે દાવો કર્યો કે, સત્તાધારી પાર્ટીના કેટલાક લોકો અમારા સંપર્કમાં છે. જોકે, ભાજપના સૂત્રો કહે છે કે, કર્ણાટક, ગોવા અને મધ્યપ્રદેશમાં જે રીતે ઓપરેશન લોટસ સફળ રહ્યું તેમ મહારાષ્ટ્રમાં તે જટિલ છે.

સરકાર બચી જવાનો ‘પાક્કો વિશ્વાસ’; બળવાખોર ધારાસભ્યો કોંગ્રેસમાં પરત ફરશે : કમલપુત્ર નિકુલનાથ

કોંગ્રેસના સાંસદ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નિકુલ નાથે બુધવારે વિશ્વાસ દર્શાવ્યો હતો કે, રાજ્યમાં પાર્ટીની સરકાર બચી જશે અને રાજીનામું આપનારા ધારાસભ્યો પાર્ટીમાં પરત ફરશે. નિકુલ નાથે સંસદ બહાર જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે, મધ્યપ્રદેશ સરકાર સુરક્ષિત છે. ધારાસભ્યોને ગેરમાર્ગે દોરાયા અને બેંગલુરૂ લઇ જવાયા હતા. તેમને પુછવામાં આવ્યું કે, સિંધિયાના રાજીનામાથી મધ્યપ્રદેશમાં પાર્ટીને શું અસર થશે ત્યારે તેમણે કહ્યું કે, મોટો ફટકો પડશે, બાદમાં તેમણે કહ્યું કે, કર્ણાટક ગયેલા સભ્યો પરત ફરવાનો મને વિશ્વાસ છે.

ભાજપ પાસે સરકાર ચોરવાની સારી કળા છે : કોંગ્રેસ

કોંગ્રેસે ભાજપ પર બુધવારે ધારાસભ્યોનો શિકાર કરવાનો અને અપહરણ કરવા તથા સરકાર ચોરવાનો આરોપ લગાવ્યો હતો. મધ્યપ્રદેશના તાજેતરના ઘટનાક્રમને લોકશાહીનું અપમાન ગણાવતા કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે, ભગવા દળ રાજ્યોમાં બિન ભાજપી સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે ધારાસભ્યોનો શિકાર અને અપહરણ તથા સરાકરો ચોરવાની સારી કળા છે. શર્માએ સવાલ કર્યો કે, જનાદેશ દ્વારા સત્તામાં આવેલી રાજ્યોની બિનભાજપી સરકારો પ્રત્યે ભાજપ શા માટે અસહિષ્ણુ બની જાય છે? ભાજપ સત્તાધારી પાર્ટી છે અને તેની પાસે આશા છે કે, તે નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરે. હવે તે ગંભીર રીતે ધારાસભ્યોના અપહરણ અને સરકારો ચોરવાના ધંધો કરે છે. કોંગ્રેસ ભાજપ દ્વારા ધારાસભ્યોના અપહરણ કરીને બેંગલુરૂ લઇ જવાના પગલાંને વખોડે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

  કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
  Read more
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.