(એજન્સી) તા.૩૧
સ્પૂટનીક સમાચાર એજન્સીએ બુધવારે અહેવાલ આપ્યા હતા કે યમનમાં રાજીનામું આપી ચૂકેલી સરકારના મંત્રીઓનો સમૂહ જ્યારે એડન એરપોર્ટ પર પહોંચ્યો તે જ સમયે ત્યાં એક જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. એવી પણ માહિતી છે કે, વિસ્ફોટના અવાજો પછી ગોળીબારના અવાજ પણ સંભળાયા હતા. આ વિસ્ફોટ અને ગોળીબારમાં ઓછામાં ઓછા ૨૨ લોકોના માર્યા ગયાની અને ૫૦ લોકો ઘાયલ થવાની આશંકા છે. કેટલાક અધિકારીઓનું કહેવું છે કે, અમે એરપોર્ટ પર મૃતદેહ પડેલા જોયા છે. આ અહેવાલ અનુસાર વિસ્ફોટ પછી એડન એરપોર્ટમાં ભયાનક અથડામણ પણ થઈ હતી. જો કે, એમ પણ જણાવવામાં આવ્યું છે કે, એડન એરપોર્ટ પર પહોંચેલા યમનની રાજીનામું આપી ચૂકેલી સરકારના મંત્રીઓને કાંઈ ખાસ નુકસાન પહોંચ્યું નથી. વિસ્ફોટ પછી આ સરકારના મંત્રીઓ સહિત પ્રધાનમંત્રીને સલામત સ્થળે ખસેડાયા હતા. એક અહેવાલ અનુસાર આ સરકારના માહિતી અને પર્યટન મંત્રીઓએ આ હુમલા માટે અંસારૂલ્લાહને જવાબદાર ઠેરવ્યો હતો. જો કે, અંસારૂલ્લાહના એક વરિષ્ઠ સભ્ય મોહમ્મદ અલબુખૈતીએ આ આરોપોને ફગાવતા કહ્યું હતું કે આ હુમલાનો અમારી સાથે કંઈ સંબંધ નથી અને આરોપ ખોટો અને બનવાટી છે. મંસૂર હાદીના નેતૃત્વ હેઠળની યમનની સરકારના મંત્રીમંડળે શનિવારે સઉદી અરબમાં શપથ લીધા હતા.