International

યમનમાં યુદ્ધને પ્રોત્સાહન આપનાર સઉદી અરબને શસ્ત્રો વેચવા સામે કેનેડિયનોએ વિરોધ કર્યો

(એજન્સી) અલ-જઝીરા, તા.૨૯
સઉદી અરબની આગેવાની હેઠળ યમનમાં ચાલી રહેલ યુદ્ધમાં કેનેડાની ભૂમિકા સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. કેનેડાના ઓન્ટારીઓ પ્રાંતમાં વર્લ્ડ બિયોન્ડ વોરના સભ્યોએ એક ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસ બહાર સઉદી અરબ તરફ હથિયારો લઈ જઈ રહેલ ટ્રકોને બ્લોક કર્યા હતા. આ કંપની સઉદી અરબમાં શસ્ત્રોની શિપમેન્ટ મોકલે છે. યમનમાં થઈ રહેલ યુદ્ધના વિરોધમાં ગઈકાલે વૈશ્વિક વિરોધ દિવસ હતો જેના લીધે પ્રદર્શનકારીઓએ હેમિલ્ટનમાં ટ્રકોને થોડા કલાકો માટે રોકી રાખી હતી. પ્રદર્શનકારીઓના ગ્રુપે કંપનીને વખોડી કાઢતા એક પ્રેસ નોંધમાં જણાવ્યું હતું કે, તેઓ સઉદીની આગેવાની હેઠળ યમનમાં થઈ રહેલ યુદ્ધમાં બળતણ પૂરૂં પાડી રહ્યું છે. જે યુદ્ધમાં લગભગ અઢી લાખ લોકોનાં મોત થયા છે. એમણે ઓટાવાને સઉદી અરબમાં શસ્ત્રોનું વેચાણ બંધ કરવા કહ્યું છે. પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત સઉદીની આગેવાની હેઠળના અભિયાનમાં ઓટાવાની ભૂમિકાની આલોચના કરવામાં આવી હતી. સપ્ટેમ્બર મહિનામાં યુ.એન. પેનલે જાહેરમાં કેનેડાનું નામ લઈ કહ્યું હતું કે, યમનમાં સંઘર્ષમાં વધારો કરવાના અન્ય દેશો સાથે કેનેડા પણ સામેલ છે જે સઉદી અરબને હથિયારો વેચી રહ્યું છે. કેનેડાની અગાઉની સરકારે સઉદી અરબને હથિયારો વેચવાના કરારો કર્યા હતા. હાલના વડાપ્રધાન તૃડેઉએ એમના અગાઉના વડાપ્રધાનના નિર્ણયને પલટાવ્યો ન હતો પણ કહ્યું હતું કે, તેઓ રિયાધ સાથે શસ્ત્રોના સોદાઓ અટકાવવા તૈયાર છે. પણ બે મહિના પછી જ અટકાવાયેલ સોદાઓ એપ્રિલ ૨૦૨૦માં ફરીથી શરૂ કરાયા હતા.