એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં છઠ પૂજામાંથી પરત ફરી રહેલા દલિત નવવિવાહિત યુગલ પર હુમલો કરવા અને મહિલા સાથે અશ્લીલ હરકતો કરવા બદલ પોલીસે બે લોકો
સામે કેસ દાખલ કર્યો છે
(એજન્સી) ભદોહી, તા.૧૪
ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લામાં, છઠ પૂજામાંથી પરત ફરી રહેલા દલિત નવવિવાહિત યુગલ પર હુમલો કરવા અને મહિલા સાથે અશ્લીલ હરકતો કરવા બદલ પોલીસે બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ સર્કલ ઓફિસર અશોક મિશ્રાએ જણાવ્યું હતું કે રાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ૭ નવેમ્બરની સાંજે છઠ પૂજા કરીને એક દલિત નવવિવાહિત મહિલા તેના પતિ સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે જ્યારે પતિ-પત્ની ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ફકરે આલમ ઉર્ફે ડીએમ અને ઈરફાન અલીએ કથિત રીતે મહિલા સાથે અશ્લીલ હરકતો કરી હતી. અધિકારીએ જણાવ્યું કે જ્યારે પતિએ વિરોધ કર્યો તો આરોપીઓએ જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો અને મારપીટ કરી. તેણે કહ્યું કે આ દરમિયાન મહિલા કોઈક રીતે આરોપીઓના ચુંગાલમાંથી છટકીને ઘરે પહોંચી ગઈ હતી. મિશ્રાએ કહ્યું કે મહિલાની ફરિયાદ પર સોમવારે ફકરે આલમ અને ઈરફાન અલી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની સંબંધિત કલમો કલમ ૭૫, ૭૬, ૩૫૨, ૧૧૫ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ફરાર આરોપીઓની શોધ ચાલી રહી છે.