Sports

યુ.પી. સરકાર મેડલ વિજેતાઓને રોકડ ઈનામ અને સરકરી નોકરી આપશે

લખનૌ, તા.૧૯
ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં ગોલ્ડ કોસ્ટમાં સંપન્ન થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રક જીતનાર રાજ્યના ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગેમ્સમાં ભાગ લેનાર રાજ્યના ખેલાડીઓને પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવશે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશનો મૂળ નિવાસી ખેલાડી જે હવે અન્ય રાજ્યમાં રહી રહ્યો છે અથવા નોકરી કરી રહ્યો છે તેણે પણ જો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે તો સરકાર તેને પણ ઈનામ આપી સન્માનિત કરશે. પ્રદેશના ખેલમંત્રી ચેતન ચૌહાણે કહ્યું કે, સુવર્ણચંદ્રક જીતનાર ખેલાડીને પ૦ લાખ રૂપિયા, રજતચંદ્રક જીતનારને ૩૦ લાખ અને કાંસ્યચંદ્રક જીતનારને ૧પ લાખ રૂપિયા અને સર્ટિફીકેટ આપવામાં આવશે. આ ખેલાડીઓને સન્માનિત કરવા માટે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં લખનૌમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મેડલ વિજેતાઓને રાજ્યના ૧૧ સરકારી વિભાગોમાં તેમની યોગ્યતા અનુસાર રમતના કોટામાં સરકારી નોકરી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. યુપીના પાંચ ખેલાડીઓએ મેડલ જીત્યા છે.