નવી દિલ્હી,તા.૨૨
હાલ આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કારણે બધી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ પણ રદ કરવામાં આવી જેના કારણે ખેલાડીઓ સહિત ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા છે. ત્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય ક્રિકેટ જગત માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે.
મળતી માહિતી મુજબ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક સમયના દિગ્ગજ સ્પિનર રજિંન્દર ગોયલે ઉંમર સંબંધી બીમારીઓના કારણે રવિવારે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ ૭૭ વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને દીકરો નિતિન ગોયલ છે. જે પોતે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહ્યો છે અને ઘરેલુ મેચોમાં રેફરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ) ના પૂર્વ અધ્યક્ષ રણબીર સિંહ મહેન્દ્રાએ દિગ્ગજના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ ન હોવા છતાં ગોયલ ૧૯૫૮-૫૯ થી ૧૯૮૪-૮૫ સુધી ઘરેલુ ક્રિકેટમાં રમતા રહ્યા. આ દરમિયાન તેમણે હરિયાણા તરફથી રણજી ટ્રોફીમાં ૬૩૭ વિકેટ ઝડપી જે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં એક રેકોર્ડ છે. તેમણે ફર્સ્ટ શ્રેણી ક્રિકેટમાં કુલ ૧૫૭ મેચમાં ૭૫૦ વિકેટ ઝડપી. ગોયલને બીસીસીઆઈ પુરસ્કાર સમારોહમાં સીકે નાયુડુ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે તેમણે બેદી દ્વારા આપવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે દિગ્ગજ પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસકરે પણ તેમની બુક ‘આઇડલ્સ’ માં જે ખેલાડીઓને સ્થાન આપ્યું હતું તેમાં ગોયલ પણ શામેલ હતા.