(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
દિલ્હી પોલીસના સ્પે. સેલે વકીલ મહમૂદ પ્રાચાની ઓફિસ પર દરોડાઓ પાડ્યા પછી દિલ્હી રમખાણોના પીડિતો કહે છે કે, પોલીસ એમની ઉપર દબાણ કરે છે કે, તમે કેસો પાછા ખેંચો અથવા વકીલ પ્રાચાને મુક્ત કરો અને અમે કહીએ એ વકીલને રોકો. આ પ્રકારના આક્ષેપો રમખાણ પીડિતોએ એક પત્રકાર પરિષદમાં કર્યા હતા. પીડિત વસીમે કહ્યું કે, મને ફેબ્રુઆરીમાં રમખાણો દરમિયાન જાહેરમાં પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાવા દબાણ કર્યું હતું. એમણે કહ્યું કે, જ્યારે હું જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે પોલીસે એફઆઈઆર નોંધવા ઇન્કાર કર્યો હતો. એમણે કહ્યું કે, પોલીસે મને ધમકી આપી હતી કે જો હું એફઆઈઆર માટે દબાણ કરીશ તો મને ખોટા કેસમાં ફસાવી દેવાશે. એ પછી મેં પ્રાચાનું સંપર્ક કર્યું અને મારી એફઆઈઆર નોંધવામાં આવી હતી. વસીમે કહ્યું કે, હવે મને પોલીસ કહે છે કે વકીલ પ્રાચાને કેસમાંથી મુક્ત કરો. અન્ય પીડિત મોહમ્મદ નાસીર ખાન, જેમણે પોતાની એક આંખ ગુમાવી છે, એમણે આક્ષેપો કર્યા કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવા છતાંય એફઆઈઆર નોંધવામાં આવી નહીં અને ફક્ત પ્રાચાની મદદ પછી એફઆરઆઈ નોંધવામાં આવી. પણ હવે મને પોલીસ દબાણ કરે છે કે, કેસ પાછો ખેંચી લો અથવા વકીલ બદલી નાંખો અને જો હું પોલીસની વાત નહીં માનીશ તો મને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ અપાઈ છે. ફકત પોલીસ જ નહીં પણ આરોપીઓ પણ મને ધમકીઓ આપી રહ્યા છે. આજ રીતે અન્ય પીડિતો સાહિલ પરવેઝ, મહેબુબ આલમ, ફિરોઝ અખ્તર, ખુરશીદ સૈફી, અક્રમ, મોહમ્મદ સલીમ અને સમીના ઉર્ફે શન્નોએ પણ આજ રીતે જણાવ્યું હતું.