Site icon Gujarat Today

રવિશંકરનો અયોધ્યા વિવાદ સાથે કોઈ સંબંધ નથી, હિન્દુ-મુસ્લિમોનું ધ્રુવીકરણ કરવાની રાજનીતિ કરી રહ્યા છે : શિવસેના

(એજન્સી) મુંબઈ, તા.૭
અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદને કોર્ટની બહાર ઉકેલવાના પ્રયાસ કરી રહેલ શ્રીશ્રી રવિશંકર દ્વારા તાજેતરમાં આપવામાં આવેલ નિવેદનની નિંદા થઈ રહી છે જેમાં તેમણે સીરિયાનો ઉલ્લેખ કર્યો હતો. શિવસેના સાંસદ સંજય રાવતનું કહેવું છે કે અયોધ્યા વિવાદ પર શ્રીશ્રી રવિશંકરના નિવેદનનો શિવસેના અસ્વીકાર કરે છે. તેમણે કહ્યું હતું કે જો અયોધ્યાનો મુદ્દો નહીં ઉકેલે તો ભારતની હાલત પણ સીરિયા જેવી જ થશે. શિવસેના સાંસદે પ્રશ્ન કર્યો છે કે, આવા નિવેદન આવી રવિશંકર દેશને ક્યાં લઈ જવા ઈચ્છે છે. આ એક બેદરકારીભર્યું નિવેદન છે. શ્રીશ્રીનો આ મુદ્દા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે બાબરી મસ્જિદ તૂટી રહી હતી ત્યારે અમે લોકો ત્યાં હતા હું પણ તેમાનો એક હતો. સંજય રાવતનું માનવું છે કે સુબ્રમણ્યમ સ્વામી પ્રયત્ન કરી રહ્યા છે અને કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. બહાર પણ કામ ચાલુ છે. ૧૦ લોકો એક જ મુદ્દે ૧૦ મોઢે બોલશે તો મામલો બગડી જશે. સીરિયાવાળી વાત દેશહિતમાં નથી જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે લોકો આવી વાતો કરે છે. તેમણે કહ્યું કે રામમંદિર બનવું જોઈએ તે સૌ કોઈ ઈચ્છે છે અને સૌ તેનો શ્રેય લેવા માંગે છે. તમને શ્રેય લેવો હોય તો લો પરંતુ ભારતને સીરિયા બનાવવાની વાત ખોટી છે. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ શ્રીશ્રીના નિવેદનની ટીકા કરી હતી.

Exit mobile version