Ahmedabad

રસ્તાનું સમારકામ માત્ર દેખાડા પૂરતું, ગુણવત્તા સાથે સમજૂતિ ન ચલાવાય

અમદાવાદ, તા.ર
શહેરમાં બિસ્માર રસ્તાઓ અને આડેધડ પાર્કિંગના મુદ્દે વધુ એક વખત એએમસી ઉપર પસ્તાળ પાડતા ગુજરાત હાઇકોર્ટે એએમસી કમિશનરને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, યોગ્ય પગલાં લેવા માટે આ આખરી મુદત આપવામાં આવે છે. કેસની વધુ સુનાવણી તા.૧૨ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. અરજદાર મુસ્તાક કાપડિયા દ્વારા આ મુદ્દે થયેલી પિટિશનની સુનાવણી કરતા કોર્ટે એએમસીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જ્સ્ટીસ એમ. આર. શાહની ખંડપીઠે એએમસીનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, રસ્તાનું સમારકામ માત્ર દેખાડા ખાતર થાય છે, રસ્તાની ગુણવત્તા સાથે સમજૂતિ કેવી રીતે ચલાવી શકાય? આ મુદ્દા પર હાઈકોર્ટમાં અરજી પડતર છે અને આ પ્રકારનું વલણ કેવી રીતે ચલાવી લેવાય નહીં. અરજદારના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, હાઇકોર્ટમાં એએમસીનું વલણ હકારાત્મક હોય છે પરંતુ એક વાર કોર્ટમાંથી બહાર ગયા બાદ પાછી સ્થિતિ ઠેરની ઠેર હોય છે. નાના રોડ હોય છે અને તેના પર પણ વાહનો પાર્ક થાય છે, તેથી રસ્તાઓ તો રહેતા જ નથી. પાર્કિંગના મુદ્દા ઉપર પણ હાઈકોર્ટે રાજ્ય સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે સરકારનું ધ્યાન દોર્યું હતું કે, જ્યાં જ્યાં નો-પાર્કિંગ ઝોનના બોર્ડ લાગ્યા છે ત્યાં જ પાર્કિંગ કરાય છે. લોકો નો-પાર્કિંગ ઝોનના બોર્ડને જ પાર્કિંગ માની રહ્યા છે. મોલ, હોસ્પિટલ કે અન્ય જાહેર જગ્યાઓ ઉપર નો-પાર્કિંગના બોર્ડ મારીને અધિકારીઓ સંતોષ માને છે. દરેક ચાર રસ્તા ઉપર પાનના ગલ્લા અને ચાની લારીઓ ઊભી કરાઇ હોવાથી લોકોને વાહન ચલાવવાની મુશ્કેલી પડે છે અને ટ્રાફિકજામ થઇ જાય છે. ૭૦ ટકા રસ્તાઓ ગેરકાદેસર પાર્કિંગથી ઉભરાય છે.