(એજન્સી) રાજસ્થાન, તા.ર૪
રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના પચેરી કલાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીના વાસણને અડવા બદલ દલિતને ક્રૂરતાથી માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, એક ઈંટના ભઠ્ઠા માલિકે પાણીના વાસણને સ્પર્શ કરવા બદલ દલિત ટ્રેક્ટર ડ્રાઇવરને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટના પચેરી કલાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ઈંટના ભઠ્ઠામાં બની હતી જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવર ચીમન લાલ મેઘવાલ ઈંટો લેવા માટે ત્યાં ગયો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર, પૈસા ચૂકવ્યા પછી જ્યારે ચીમન લાલ વાસણમાંથી પાણી પીવા લાગ્યો ત્યારે ભઠ્ઠા માલિક વિનોદ યાદવે તેને લાત મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ પછી વિનોદ અને અન્ય બે લોકો તેને કાર દ્વારા હરિયાણાના રેવાડી લઈ ગયા અને બેલ્ટથી માર માર્યો. તેને છોડાવવા માટે પરિવાર પાસેથી ૧.૫ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પીડિતના ભાઈએ પૈસા ચૂકવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રાજપાલે જણાવ્યું હતું કે, પીડિતે આ અંગે કેસ દાખલ કર્યો છે. રાજપાલના જણાવ્યાં મુજબ, ડ્રાઇવરના શરીર પર ઈજાના નિશાન હતા અને તેની સારવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવી હતી. સબ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે પીડિતે આરોપ લગાવ્યો છે કે તેને ઘડામાંથી પાણી પીવા બદલ માર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કેસની તપાસ હજુ ચાલુ છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.